સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ અન્વયે તા. ૨૮ જૂન સુધી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાનાર છે. જે દાહોદ જિલ્લાના માતવા ખાતે કાયદા વિભાગના નાયબ સચિવ સી.બી.મખોડિયાના અધ્યક્ષસ્થાને શ્રી માતવા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ નાંભૂલકાઓને મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ તકે કાયદા વિભાગના નાયબ સચિવએ વિદ્યાર્થીઓ અને વાલીઓને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના અંગે ધો. – ૯, ધો. – ૧૦, ધો. – ૧૧ ૧૨ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર આર્થિક સહાય અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.
તદુપરાંત કાયદા વિભાગના નાયબ સચિવ દ્વારા એસ.એમ.સી. કમિટી અને શાળાના શિક્ષકો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં તેઓના પ્રશ્નો, સમસ્યાઓ સાંભળી શૈક્ષણિક સુવિધા, ગુણવત્તાલક્ષી શિક્ષણ, બાળકોના અભ્યાસ, તેમનામાં સકારાત્મક અભિગમ વિકસાવવા પર વિશેષ ભાર આપવા કેટલાંક રચનાત્મક સૂચનો આપીને માર્ગદર્શિત કર્યા હતાં.
નાયબ સચિવશ્રી અને મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને નવીન પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવેલ, જેના પરિણામે બાળકોના અને વાલીઓના ચહેરા પર ખુશાલી જોવા મળી હતી. ભૂલકાઓના શૈક્ષણિક ભાવિ ઘડતર માટે રાજ્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવતા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોની ઉપસ્થિત વાલીઓએ પ્રશંસા કરી હતી.
કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકાના પંચાયતના સભ્ય, ગામના સરપંચ, પદાધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત ગ્રામજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.