દાહોદ જિલ્લાના ખરેડી ગામ સ્થિત એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. તેમજ કેરીયર કોર્નર વર્ગના શિક્ષકોનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષકોને સંબોધતા જિલ્લા શિક્ષણાધિકારી એ.બી. પ્રજાપતિએ શિક્ષકોને વિદ્યાર્થીઓમાં જિજ્ઞાષાનું બીજ રોપવા જણાવ્યું હતું, તેમણે કહયુ કે, જિજ્ઞાશાનુ બીજ વાવ્યું હશે તો યોગ્ય વાતાવરણ મળતાં વટવૃક્ષ બનશે. વિદ્યાર્થીઓ યોગ્ય દિશામાં કારકિર્દી ઘડે એ માટે તેમને દરેક ક્ષેત્રની માહિતી આપવી જોઇએ. પોતાની રસના ક્ષેત્રમાં જ તેઓ ઝળકશે અને સફળતા મેળવશે. તેમણે વિવિધ મહાનુભાવોના જીવનમાં શિક્ષકોએ નિભાવેલી ભૂમિકાની પણ વાત કરી હતી. ઉપસ્થિત શિક્ષકોને તેમની મહત્વપૂર્ણ જવાબદારી યોગ્ય રીતે નિભાવવા તેમણે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના નાયબ માહિતી નિયામક આર.આર. રાઠોડે પ્રસંગોચીત સંબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું કે શિક્ષક હંમેશા અસાધારણ હોય છે, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યમાં શિક્ષકનું યોગદાન અજોડ છે. શાળાના શિક્ષણ બાદ પણ જીવનના સંધર્ષપથ પર શિક્ષકે આપેલું માર્ગદર્શન ડગલે ને પગલે તેને સહાય કરે છે. વિદ્યાર્થીઓ સાચી દિશામાં કારકિર્દીનું નિર્માણ કરશે તો જ તે જ સફળ પણ થશે. નાયબ માહિતી નિયામક રાઠોડ સાહેબે આ પ્રસંગે માહિતી વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની વિગતો પણ આપી હતી. તેમણે માહિતી વિભાગ દ્વારા ચલાવવામાં આવતા સાપ્તાહિક રોજગાર સમાચાર અને ગુજરાત પાક્ષિક દ્વારા કારકિર્દી ઘડતર કરવા માંગતા વિદ્યાર્થીઓને સરસ માર્ગદર્શન પુરૂ પાડે છે તે વિશે પણ વાત કરી હતી.
જિલ્લા રોજગાર અધિકારી એ.એલ.ચૌહાણે દાહોદ જિલ્લામાં કેરીયર કોર્નર શાળાઓએ સક્રીય થઇ કામગીરી કરવા જણાવ્યું હતું. ઉપસ્થિત શિક્ષકોને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે તેઓ કઇ રીતે સહાયરૂપ બની શકે છે તેનું માર્ગદર્શન આપ્યું હતું. બાળકોમાં રહેલી પ્રતિભાની ઓળખ કરીને તેને સાચી દિશામાં વાળવા તેમણે જણાવ્યું હતું. સેમીનારમાં પોલીટેકનીક કોલેજના આચાર્ય અને વિવિધ શાળાના આચાર્યોએ પણ કેરીયર કોર્નરના શિક્ષકોને વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં એકલવ્ય મોડેલ સ્કૂલના આચાર્ય, આચાર્ય સંઘના પ્રમુખ, જિલ્લાના વિવિધ શાળાના આચાર્યો અને કેરીયર કોર્નર વર્ગના શિક્ષકો ઉપસ્થિત રહયા હતા.