- દાહોદ જિલ્લામાં આગામી રવિવારે યોજાનારી જૂનીયર કલાર્ક પરીક્ષા સંદર્ભે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઇ.
- દાહોદ જિલ્લામાં છ તાલુકાના ૮૧ પરીક્ષા કેન્દ્રો ખાતે ૨૮૨૬૦ ઉમેદવારો પરીક્ષા આપશે : કેન્દ્રો ખાતે તમામ સુવિધાઓ કરાઇ.
- પરીક્ષાર્થીઓને કોઈ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર જણાય તો તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નં. ૦૨૬૭૩-૨૩૯૧૩૭ ઉપર સંર્પક કરી શકાશે.
- જૂનીયર કલાર્કની પરીક્ષાના તમામ કેન્દ્રો ખાતે સઘન પોલીસ બંદોબસ્ત : ગેરરીતિ આચરનારા સામે કરાશે કડક કાર્યવાહી.
દાહોદ જિલ્લામાં આગામી રવિવારે તા. ૯ એપ્રીલના રોજ યોજાનારી જૂનીયર કલાર્ક (વહીવટી-હિસાબી) પરીક્ષા સંદર્ભે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. કલેક્ટર ડો. ગોસાવીએ જૂનીયર કલાર્કની પરીક્ષા સંપૂર્ણ પારદર્શકતા સાથે યોજવા વહીવટી તંત્ર સુસજ્જ હોવાની જણાવી પરીક્ષાની તૈયારી બાબતે વિગતે માહિતી આપી હતી.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, જિલ્લામાં આગામી રવીવારે યોજાનારી જૂનીયર કલાર્કની પરીક્ષા છ તાલુકાના ૮૧ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે. આ પરીક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે. આ છ તાલુકામાં દાહોદ, ગરબાડા, લીમખેડા, સિંગવડ, ઝાલોદ, દેવગઢ બારીયાના ૮૧ પરીક્ષા કેન્દ્રો અને ૯૪૨ બ્લોક ખાતે યોજાશે. તમામ કેન્દ્રો CCTV થી સજ્જ છે. જેની ચકાસણી પણ બોર્ડના પ્રતિનિધિ દ્વારા અગાઉથી તેમજ પરીક્ષાના દિવસે કરાશે.
તેમણે જણાવ્યું કે, જિલ્લાના તમામ ૮૧ પરીક્ષા કેન્દ્રો ખાતે બોર્ડના પ્રતિનિધિ તરીકે કલાસ ૧ અને ૨ ના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેઓ આજે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેશે તેમજ આવતી કાલે પણ પરીક્ષા કેન્દ્રો ખાતે ઉપસ્થિત રહેશે અને SOP મુજબ તૈયાર કરવામાં આવેલા ચેકલીસ્ટ પ્રમાણે ચકાસણી કરશે.
તેમણે જણાવ્યું કે, તમામ કેન્દ્રો ખાતે ૮૧ CCTV ઓબ્ઝર્વર્સ, ૧૬ ફલાઇંગ સ્કવોર્ડ, ૩૨ ફલાઇંગ સ્કવોર્ડ કર્મચારીઓ, ૬૬ જેટલા રૂટ સુપરવાઇઝર અને આસીસ્ટન્ટ રૂટ સુપરવાઇઝર, ૮૧ કેન્દ્ર સંચાલક, ૯૪૨ ઇન્વીજીલેટર, ૩૧૪ સુપરવાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, એક બ્લોકમાં ૩૦ ઉમેદવાર દીઠ ૨૮૨૬૦ ઉમેદવારો આ પરીક્ષા આપશે તેમ જણાવી પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારો માટે તમામ સુવિધાઓ કરવામાં આવી હોવાની માહિતી આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે જણાવ્યું કે, પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓને સઘન તાલીમ આપવામાં આવી છે. ગાંધીનગરથી પણ તાલીમ અપાઇ છે. કર્મચારીઓને પરીક્ષા સંદર્ભે મુંઝવણ હોય તો એ પણ તાલીમ યોજીને દૂર કરવામાં આવી છે. એસઓપી પણ આપવામાં આવી છે. મીનિટ ટુ મીનિટ સાથેનું ચેકલીસ્ટ પણ અપાયું છે જેથી ઝીણામાં ઝીણી બાબત સમયસર કરવામાં આવે.
તેમણે જણાવ્યું કે, પરીક્ષાર્થીઓને કોઈ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર જણાય તો તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે. જે માટે હેલ્પલાઈન નં. ૦૨૬૭૩-૨૩૯૧૩૭ ઉપર સંર્પક કરી શકાશે.
જૂનીયર કલાર્કની પરીક્ષાના તમામ કેન્દ્રો ખાતે સઘન પોલીસ બંદોબસ્ત વિશે માહિતી આપતા ASP જગદીશ બાંગરવાએ જણાવ્યું કે, જિલ્લામાં ૧૨ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૮૧ પરીક્ષા કેન્દ્રો આવેલા છે જે તમામ ઉપર સઘન પોલીસ બંદોબસ્ત કરાયો છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક ASI સહિત બે મહિલા અને એક પુરૂષ પોલીસ કર્મચારી ઉપસ્થિત રહેશે. તમામ કેન્દ્રો ખાતે કુલ મળીને ૪૦૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. સ્ટોંગ રૂમ ખાતે પણ ૨૪ કલાક હથિયારધારી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે.
ઉમેદવારોને પણ તમામ ચકાસણી બાદ પ્રવેશ આપવામાં આવશે. જેમાં પ્રવેશ કોલલેટર, આઇડીકાર્ડ, બોલપેન લાવી શકાશે. પણ એ સિવાય કોઇ પણ ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે પ્રવેશ ઉપર પ્રતિબંઘ રહેશે. તેમજ ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક અંતર્ગત ગેરરીતિ આચરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
જિલ્લાના દરેક કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને પરીક્ષાના સમયાનુસાર કેન્દ્રના મેઈન ગેટ પર મહિલા અને પુરૂષ કોન્સ્ટેબલો દ્વારા ફ્રિસ્કીંગ (ચકાસણી) કરવામાં આવશે. જે અનુસાર સવારે ૧૧ વાગ્યાથી પ્રવેશ શરૂ કરીને ૧૨ વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી લેવાનો રહેશે. તે જ પ્રમાણે પરીક્ષાર્થીએ તેમને ફાળવેલા વર્ગરૂમમાં સવારે ૧૧-૩૦ વાગ્યાથી પ્રવેશ લઈ ૧૨-૩૦ સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ પ્રવેશ મળશે નહીં.