THIS NEWS POWERED BY : RAHUL MOTORS
દાહોદ જિલ્લામાં રાજ્ય સરકારના નવતર અભિગમના ભાગરૂપે રાત્રિ ગ્રામસભાઓનો શુભારંભ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને દાહોદ તાલુકાના ટાંડા ગામ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો.
ટાંડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ રાત્રિ ગ્રામ સભાને સંબોધતાં જણાવ્યું હતુ, કે રાજ્ય સરકારનો રાત્રી ગ્રામ સભાનો મૂળભૂત હેતુ એ છે કે છેવાડાના વિસ્તારોમાં વસતા લોકો દિવસ દરમિયાન પોતાની રોજીરોટી માટે ખેતીકામ કે અન્ય રીતે રોકાયેલા હોવાથી રાત્રિ દરમિયાન પોતાના નિવાસ સ્થાને પરત આવતા હોઇ રાત્રિ ગ્રામસભાઓ દરમિયાન તેઓ યોજનાઓથી વાકેફ થાય અને તેનો લાભ લઇ શકે. પોતાના ગામના કે વ્યક્તિગત પ્રશ્નો રજૂ કરી શકે.
આ ગ્રામસભામાં જિલ્લા કલેક્ટરશ્રીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા, કુપોષણ, રસીકરણ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મિશન વિદ્યા, સેવાસેતુ કાર્યક્રમ સહિત સરકારની અન્ય યોજનાઓની જાણકારી આપી હતી અને તેનો લાભ લેવા આહ્વાન કર્યુ હતુ.
આ અંગે ઉપસ્થિત સંબંધિત અધિકારી- કર્મચારીઓને પૃચ્છા કરતાં જરૂરી કાળજી લેવા ટકોર કરી હતી. મિશન વિદ્યા સાથે વાલીઓ પોતાના બાળકોને નિયમિત શાળામાં મોકલે, સગર્ભા- ધાત્રી માતાઓ, કિશોરીઓ અને આંગણવાડીના બાળકો નિયમિત આંગણવાડી કેન્દ્રમાંથી પોષણક્ષમ આહાર સાથે આરોગ્ય વિષયક સારવાર લઇ કુપોષણ જેવી સમસ્યાના નિવારણ માટેના રાજ્ય સરકારના પ્રયાસમાં સહયોગી બને તે માટે આંગણવાડી વર્કર, આશાવર્કર બહેનો, આરોગ્ય કર્મચારીઓ પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજો સંવેદના સાથે અદા કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ રાત્રિ ગ્રામ સભા દરમિયાન કલેક્ટર વિજય ખરાડીએ ગ્રામ પંચાયત, આંગણવાડી, મધ્યાહ્ન ભોજન કેન્દ્ર, પાણી પુરવઠા યોજનાની મુલાકાત લઇ રેકર્ડના નિરક્ષણ સાથે સંબંધિત અધિકારી / કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે દાહોદ, મામલતદાર પટેલ, તાલુકા શિક્ષણાધિકારી જોષી, તલાટી, સરપંચ, સંબંધિત અધિકારી / કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ કલેક્ટર વિજય ખરાડી ગામની મુલાકાત લઇ ગામના વિકાસની જાણકારી મેળવી હતી.