સરકારે આર્થિક સહાય સહિત બાળકોના ખાવા – પીવા – નાસ્તા – દૂધ – પુસ્તકો અને શિક્ષણની વ્યવસ્થા કરી છે. – મંત્રી બચુભાઈ ખાબડ
દાહોદ જિલ્લામાં ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ અન્વયે તા.૨૮ જૂન સુધી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં માળ ફળીયા વર્ગ, પ્રાથમિક શાળા, સીમામોઇ ખાતે મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાગીત થકી કરવામાં આવી હતી. મંત્રી બચુભાઈ ખાબડ તેમજ અન્ય મહાનુભાવોના વરદ્દહસ્તે શાળાના ૯ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને નવીન પ્રવેશ મેળવનારા બાલવાટિકાના ૩૦ બાળકો, આંગણવાડીના ૪ બાળકો તેમજ ધોરણ – ૧ ના ૩૧ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી, જેના પરિણામ સ્વરૂપ બાળકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા. એ ઉપરાંત ગામના લાભાર્થીઓને આપત્તિ સહાય વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન શાળાની વિદ્યાર્થીની દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચન આપતાં મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના તમામ ગામડાઓના બાળકોને શિક્ષણ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થાની ચિંતા સરકારે કરી છે. વાલીઓને સંબોધતાં ઉમેર્યું હતું કે, આ અવસર સુવર્ણ છે, તમારા બાળકોને એકવાર શાળાના પગથિયાં ચડાવો પછી તો ધોરણ – ૧૨ સુધીની તમામ વ્યવસ્થા કરી છે. તમારા બાળકોનું ખાવા – પીવા – નાસ્તા – દૂધ – પુસ્તકો અને શિક્ષણની વ્યવસ્થા કરી છે. એ પછી પણ કોલેજોમાં અભ્યાસ અર્થે સરકારે તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપી છે. સરકાર આર્થિક સહાય પણ વિદ્યાર્થીઓને આપી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના અંગે ધોરણ ૯ થી ૧૨ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર આર્થિક સહાય અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
તદુપરાંત મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા શાળાના પ્રશ્નો, સમસ્યાઓ, શૈક્ષણિક સુવિધા, ગુણવત્તાલક્ષી શિક્ષણ, બાળકોના અભ્યાસ, તેમનામાં સકારાત્મક અભિગમ વિકસાવવા પર વિશેષ ભાર આપવા સૂચનો આપીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે કોમ્પ્યુટર લેબના ઉદ્ઘાટન કર્યા પછી શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ કલેકટર ગૌતમ લોડલીયા, તાલુકા વિકાસ અધિકારી રાઠવા, લાયઝન અધિકારી, સી.ડી.પી.ઓ., સી.આર.સી., સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો, આંગણવાડીની બહેનો સહિત ગ્રામજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.