THIS NEWS IS SPONSORED BY –– PHONE WALE
જિલ્લામાં સામાન્ય માણસની પાણીની જરૂરીયાત સુલભ થાય તે માટે વિભાગની ૩૫ ટીમોના ૧૪૦ કર્મીઓએ ભરઉનાળાની ગરમીમાં તનતોડ પ્રયાસ
દાહોદ જિલ્લામાં ઉનાળો સામાન્ય માણસ માટે ખાસો આકરો હોય છે. કારણ કે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે પીવાના પાણીની સમસ્યા રહે છે. પરંતુ આ વર્ષે જિલ્લાના પાણી પુરવઠા વિભાગે વિશેષ અભિયાન હાથ ધરીને નાગરિકો ની પાણીની સમસ્યાઓનો નિકાલ લાવ્યા છે અને માત્ર ૭૮ દિવસોમાં જ ૩૨૫ નવા બોર, ૬૭૩૦ જેટલા હેન્ડ પંપ રીપેર કરવામાં આવ્યા છે. આ માટે વિભાગની ૩૫ ટીમોના ૧૪૦ કર્મીઓએ ભરઉનાળાની ગરમીમાં તનતોડ પ્રયાસ કર્યો હતો.
જિલ્લાના પાણી પુરવઠા વિભાગે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની રાહબરી હેઠળ છેલ્લા અઢી મહિનામાં ઉદાહરણરૂપ કામગીરી કરી છે. કલેક્ટર વિજય ખરાડીએ દરેકે દરેક નાગરિક સુધી પીવાનું પાણી ઉપલબ્ધ બને તે માટે ખાસ અભિયાન ચલાવવા આહ્વાન કર્યું હતું. પરીણામે તા. ૧ એપ્રીલ થી તા. ૧૭ જુન સુધીમાં એટલે કે માત્ર ૭૮ દિવસોમાં જ ૩૨૫ નવા બોર તૈયાર કરવામાં આવ્યા, ઉપરાંત ૬૭૩૦ જેટલા હેન્ડ પંપ રીપેર કરવામાં આવ્યા છે. ઉનાળાની આકરી ગરમીમાં ૧૪૦ કર્મચારી ઓની ૩૫ ટીમોએ આ માટે એક અભિયાનની જેમ કામ હાથ ધર્યુ હતું. આ વર્ષની શરૂઆતથી કામગીરી જોઇએ તો નવા ૫૦૮ જેટલા બોર અને કુલ ૧૨૦૧૭ જેટલા હેન્ડ પંપ રીપેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કુલ હેન્ડપંપની સંખ્યા ૪૩૫૭૬ છે.
પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર એચ.જી.પરમારે આપેલી માહિતી મુજબ, આ ૪૭ દિવસમાં દાહોદમાં ૨૮ બોર અને ૧૪૧૨ હેન્ડપંપ, ગરબાડામાં ૫૪ નવા બોર અને ૬૫૪ હેન્ડપંપ, ઝાલોદમાં ૬૪ નવા બોર અને ૧૧૦૬ હેન્ડ પંપ, ફતેપુરામાં ૩૩ નવા બોર અને ૬૧૪ હેન્ડપંપ, સંજેલીમાં ૪૧ નવા બોર અને ૩૭૪ હેન્ડપંપ, લીમખેડામાં ૧૫ નવા બોર અને ૧૦૩૪ હેન્ડપંપ, સીંગવડમાં ૨૦ નવા બોર અને ૩૬૭ હેન્ડપંપ, દેવગઢ બારીયામાં ૬૫૫ હેન્ડપંપ, ધાનપુરમાં ૭૦ નવા બોર અને ૫૧૪ હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યા હતા. રાજય કક્ષાએ પાણી માટે ચાલતી ટોલ ફ્રી હેલ્પલાઇન નં. – ૧૯૧૬ પર કરવામાં આવતી રજૂઆતને પાણી પુરવઠા વિભાગ દ્વારા તાબડતોડ નિકાલ કરવામાં આવતો હતો. સાથે કચેરીએ નવા બોર માટે કરવામાં આવતી અરજીને પણ ગ્રાહ્ય રાખી તુરત કાર્યવાહી કરવામાં આવતા લક્ષ્યાંક મુજબની કામગીરીમાં સફળતા મળી છે. જિલ્લામાં સામાન્ય માણસની પાણીની જરૂરીયાત સુલભ થાય તે માટે વિભાગની ૩૫ ટીમોના ૧૪૦ કર્મીઓએ ભરઉનાળાની ગરમીમાં તનતોડ પ્રયાસ કર્યો છે.