Sunday, April 13, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં લોકડાઉન વચ્ચે પણ પ્રતિ બુધવારે ૬ હજારથી વધુ બાળકોને થાય...

દાહોદ જિલ્લામાં લોકડાઉન વચ્ચે પણ પ્રતિ બુધવારે ૬ હજારથી વધુ બાળકોને થાય છે રસીકરણ

આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલા અને નવજાત બાળકોને વિવિધ પ્રકારની રસી આપી તેમનું આરોગ્યલક્ષી ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવે છે.

દાહોદમાં કોરોના સંક્રમણને રોકવાની પારાવાર કામગીરી વચ્ચે પણ આરોગ્ય વિભાગ જનસ્વાસ્થ્યની જવાબદારી સુપેરે નિભાવી રહ્યો છે. દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકડાઉન વચ્ચે પણ બાળકો અને સગર્ભા માતાઓને રસીકરણની કામગીરી કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં પ્રતિ બુધવારે ૬,૦૦૦ કરતા વધુ બાળકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સાથે, સગર્ભા મહિલાઓને પણ ધનુર વિરોધી રસી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલા અને નવજાત બાળકોને વિવિધ પ્રકારની રસી આપી તેમનું આરોગ્યલક્ષી ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવે છે.

સગર્ભા મહિલાને મુખ્યત્વે ધનુર વિરોધી રસી આપવામાં આવે છે. જ્યારે, બાળકોને પંચગુણી રસી એટલે કે, પેન્ટાવેલેન્ટ રસી ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. તેનો પ્રથમ ડોઝ બાળકના જન્મ બાદ ૬ અઠવાડિયા બાદ, બીજો ડોઝ પ્રથમ ડોઝના ૧૦ અઠવાડિયા બાદ અને ત્રીજો ડોઝ બીજા ડોઝના ૧૪ અઠવાડિયા બાદ આપવામાં આવે છે. આ રસી બાળકને ઊંટાટિયુ, મોટી ઉધરસ, ધનુર અને હિપેટાઇસ-બી જેવી બિમારીથી રક્ષણ આપે છે. આ ઉપરાંત બાળકોને ઓરી ન થાય એ માટે જન્મ બાદના ૯ માસ મિઝલ્સની રસી આપવામાં આવે છે. વળી, પોલિયો વિરોધી રસી તો ખરી જ ! પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવે છે. જ્યારે, બીસીજીની રસી બાળકને ટીબીના રોગથી બચાવે છે.

સામાન્ય સંજોગોમાં માસના પ્રતિ બુધવારે આંગણવાડી ઉપર મમતા દિનની ઉજવણી કરવામાં આવે છે અને તેની સાથે રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જરૂર પડે તે આશા વર્કર બાળક કે માતાના ઘરે જઇને રસીકરણનું કાર્ય કરે છે. હાલના લોકડાઉનને ધ્યાને રાખી નગરપાલિકા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર ઉપર રસીકરણની કામગીરી કરવામાં આવી છે.
ગત તારીખ ૨૯-૪-૨૦ને બુધવારના રોજ દાહોદ જિલ્લામાં કુલ ૫૮૫ મમતા સેશન કરવામા આવ્યા હતા. ૧૨૨૮૪ સગર્ભા માતા અને ધાત્રી માતાએ આ સેશનનો લાભ લીધો હતો. જ્યારે, ૬૬૫૩ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ગત બુધવારે ૫૫૦ મમતા સેશન યોજવામાં આવ્યા હતા. જેમાં ૭૬૭૦ સગર્ભા અને ધાત્રી માતા સહભાગી બની હતી અને ૬૮૫૩ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તાલુકા પ્રમાણે રસીકરણ કરવામાં આવેલા બાળકોની સંખ્યા જોઇએ તો દાહોદ તાલુકામાં ૧૨૯૬, દેવગઢ બારિયામાં ૫૮૫, ધાનપુરમાં ૫૨૬, ફતેપુરમાં ૧૬૧૪, ગરબાડામાં ૮૮૯, લીમખેડામાં ૬૯૮, સંજેલીમાં ૨૬૫ અને ઝાલોદમાં ૯૮૦ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
આમ, લોકડાઉન વચ્ચે પણ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના રસીકરણની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments