- વંદે ગુજરાત વિકાસ યાત્રાના બીજા દિવસે દાહોદ, ઝાલોદ અને સીંગવડ તાલુકાના ૭૪ ગામોમાં રથ ફરી વળ્યાં, ૩૩૨૦ લોકો આ વિકાસયાત્રામાં થયા સહભાગી.
- વંદે ગુજરાત વિકાસ યાત્રા થકી દાહોદનાં ગામે ગામ વિવિધ યોજનાઓના લાભ ઘરઆંગણે લોકોને પ્રાપ્ત થઇ રહ્યાં છે.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાયો છે ત્યારે દાહોદ જિલ્લામાં ગામે ગામ વિકાસના રથ પરિભ્રમણ કરી રહ્યાં છે અને લોકોને પોતાના ગામમાં જ વિવિધ યોજનાકીય લાભો પ્રાપ્ત થતા સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જિલ્લામાં તા.૧૯ જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા જિલ્લા પંચાયતની ૫૦ સીટોને આવરી લઇને વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે.
વંદે ગુજરાત વિકાસ યાત્રાના બીજા દિવસની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ દાહોદ, ઝાલોદ અને સીંગવડ તાલુકાના ૭૪ ગામોમાં ફરી વળ્યાં હતા અને ૩૩૨૦ લોકો આ વિકાસયાત્રામાં સહભાગી થયા હતા. તેમજ ૨૧૩૫ લાભાર્થી નાગરિકોને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું છે. આ ઉપરાંત જનવિકાસના વિવિધ ૧૧ કામોના ખાતમુહૂર્ત તેમજ ૨૫ કામોના લોકાર્પણ કરાયા છે.
જિલ્લામાં ગામે ગામ વંદે ગુજરાત વિકાસ યાત્રાને લોકોનો સુંદર આવકાર મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગામડાઓમાં રથનું કંકુ તિલક સહિત ફૂલહારથી આવકાર અપાઇ રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજાજનો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ૨૦ વર્ષનો વિશ્વાસ -૨૦ વર્ષનો વિકાસ અંતર્ગત યોજાયેલ વંદે ગુજરાત યાત્રાના માધ્યમથી સહુ ગ્રામજનો ગુજરાતના વિકાસની ઝાંખી રસપૂર્વક નિહાળી રહ્યા છે.