આરોગ્ય વિભાગ દાહોદ દ્વારા દાહોદને ટીબી મુક્ત કરવા માટે જન જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કરવામાં આવતી કામગીરી.
THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS
વિશ્વભરમાં 24 માર્ચ નિમિતે વિશ્વ ક્ષય દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં ક્ષય રોગને નાબુદ કરવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ સઘન અભિયાન ચલાવાઈ રહ્યું છે. જોકે, વિતેલા વર્ષો કરતાં દાહોદ જિલ્લામાં ટીબીના રોગથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2024 માં આવા 9458 લોકોને સારવાર આપવામાં આવી હતી. દર વર્ષે તા. 24 માર્ચના દિવસે સમગ્ર દેશના તમામ રાજ્યો તથા જિલ્લાઓમાં ‘વિશ્વ ક્ષય દિન‘ નિમિત્તે ક્ષય રોગ અંગે વિવિધ જાગૃતિવર્ધક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ 1882 ની 24મી માર્ચના રોજ ડો. રોબર્ટ કોક નામનાં વૈજ્ઞાનિકે ટી.બી. રોગ થવા માટે કારણભૂત ટીબીના જંતુ “માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ની શોધ કરી હતી. આ વર્ષની વિશ્વ ક્ષય દિવસની થીમ છે – “Yes WE Can End TB Commit, Invest, Deliver” તે આ વર્ષની વિશ્વ ક્ષય દિવસની થીમ છે. દાહોદ જિલ્લામાં ટીબીને નાબુદ કરવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ ટીબીના દર્દીને સઘન સારવાર આપવામાં આવી રહી છે. ટીબીના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નિદાન તેમજ સારવાર લેવી. જો વ્યક્તિને અઠવાડીયાથી ખાંસી (ઉધરસ) આવતી હોય, શરીરમાં ઝીણો તાવ, ભૂખ ઓછી લાગવી, શરીરના વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ અને ક્યારેક ગળફામાંથી લોહી પડે અથવા લોહીની ઉલટીઓ થાય એવા કોઈ પણ લક્ષણ જણાય તો નજીકના કોઈ પણ સરકારી દવાખાનામાં નિ:શુલ્ક તપાસ કરાવી શકાય છે.
દાહોદ જિલ્લામાં પાછલા વર્ષોની વાત કરીએ તો, 2018 માં 7576 દર્દીઓની, વર્ષ 2019 માં 9099 દર્દીઓની, વર્ષ 2020 માં 7774 દર્દીઓની, વર્ષ 2021 માં 8663 દર્દીઓની, વર્ષ 2022 માં 9965 દર્દીઓની, વર્ષ 2023 માં 8989 દર્દીઓની તેમજ વર્ષ 2024 દરમ્યાન 9458 જેટલા ટીબીના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. અત્યારે પણ 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ આખા રાજ્યમાં ચાલી રહી છે. જે દરમ્યાન ટીબી ના દર્દીઓ સાથે આત્મીયતા કેળવીએ, નિક્ષય પોષણ યોજના જેવી યોજના થકી ટીબી ના દર્દીઓની સહાય કરવામાં આવી રહી છે. જો ટીબી નિદાન થાય તો ભારત સરકાર તરફથી દરેક ટીબીના દર્દીને મહીને ₹.1000 દવા ચાલુ રહે ત્યાં સુધી પોષણ સહાય રૂપે દર્દીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
દાહોદ જીલ્લામાં 2024 ના વર્ષમાં કુલ 8880 દર્દીઓને 3,64,41,000/- (ત્રણ કરોડ ચોસઠ લાખ એકતાલીસ હજાર) ની પોષણ સહાય ચૂકવવામાં આવી છે. આમ, આવો સૌ આપણે ભેગા મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત “ટીબી હારેગા દેશ જીતેગા“. નજીકના સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર કે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી ટીબી વિશે જાણકારી મેળવી વધુને વધું જાગૃત બનીએ.