પ્રાકૃતિક ખેતી જમીનને બચાવીને આપણને સ્વસ્થ ખોરાક આપવાની સાથે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધારી શકે છે.
ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓમાં તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે રાજ્યપાલ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી વિશે જાણીએ તો આ એક એવી પદ્ધતિ છે, જેમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કર્યા વિના, સ્થાનિક સ્ત્રોતો જેવાં કે, ગાયનું ગોબર, ગૌમૂત્ર, જીવામૃત, બીજામૃત જેવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે. રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ અને હાઈબ્રીડ બિયારણોના અતિશય ઉપયોગથી ઉત્પાદન તો વધ્યું, પરંતુ જમીનની કુદરતી ફળદ્રુપતા ઘટી, પાણી પ્રદૂષિત બન્યું અને પાક પણ રસાયણ યુક્ત થતા માનવ આરોગ્ય પર ગંભીર અસર જોવા મળી છે. જેથી આપણા રાજ્યપાલ અને મુખ્યમંત્રીનાં નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ તરફ મહત્તમ ખેડૂતો વળે તે માટે મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે.
દાહોદ જિલ્લામાં પણ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે ત્યારે એમણે પણ પોતાની આસપાસના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટે એ તમામ અન્ય ખેડૂતોને તાલીમ આપવાનું કાર્ય કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આપણે સૌ પ્રાકૃતિક કૃષિ તરફ વળીશું તો આ જ ખેતી જમીનને બચાવીને આપણને સ્વસ્થ ખોરાક આપવાની સાથે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધારી શકે છે. તોયણી, દેવીરામપુરા, ઝાબીયા તેમજ જંબુસર જેવા વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ અન્ય ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય એ માટે પ્રાકૃતિક ખેતીની વિસ્તાર પૂર્વક સમજણ આપીને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કર્યા હતા.