THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- સૌથી વધુ જનધન મહિલા ખાતા ધારકોને રૂ. ૪૬૩૦ લાખ અને બાદ કિસાનોને રૂ. ૩૮૦૦ લાખનું ચૂકવણું બેંકો દ્વારા કરાયું.
- લોકડાઉનમાં પણ સતત કામગીરી કરી પરોક્ષ કોરોના વોરિયર્સ તરીકે ઉભરતા દાહોદ જિલ્લાના બેંક કર્મચારીઓ.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન આર્થિક રીતે નબળા વર્ગના લોકોને કોઇ તકલીફ ના પડે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી આર્થિક સહાયમાંથી કુલ ₹. ૧૧,૬૧૨ લાખ (₹. ૧.૧૬ અબજ)નું ચૂકવણું બેંકો દ્વારા કરવામાં આવ્યું છે. આ વાત જાણીને તમને એ વાતનો ચોક્કસ અહેસાસ થશે કે સરકાર ગરીબોની સતત ચિંતા કરી રહી છે. આ સહાય ચૂકવવામાં દાહોદ જિલ્લાની બેંકોની મહત્વની ભૂમિકા રહી છે. લોકડાઉનના કપરા સંજોગોમાં પણ સતત કાર્યરત રહી ગરીબોને આ રકમનું ચૂકવણું બેંકોએ કર્યું છે. બેંકકર્મીઓ પણ પરોક્ષ રીતે કોરોના વોરિયર્સ બની રહ્યા છે.
સરકાર દ્વારા પ્રાયોજિત યોજનાના નાણાકીય વિતરણ અને મોનિટરિંગ માટે કાર્યરત લીડ બેંકના મેનેજર રજનીકાંત મુનિયાએ ઉક્ત બાબતની જાણકારી આપતા કહ્યું કે, લોકડાઉન દરમિયાન બેંકોની કામગીરી સતત કરતી રહેવામાં આવી છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જે જે આર્થિક સહાય જાહેર કરવામાં આવી, તેનો લાભ કોઇ વિલંબ લાભાર્થીને મળે તે માટે થઇ બેંક કર્મચારીઓ દ્વારા અથાક મહેનત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ કરવામાં આવેલા ચૂકવણાની વિગતો જોઇએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળના મહિલા ખાતા ધારકોને ₹. ૫૦૦/- આપવાની જાહેરાત કર્યા બાદ દાહોદ જિલ્લામાં આવા ખાતાધારક ૪,૬૩,૦૦૦ મહિલાઓને ₹. ૪,૬૩૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે, ફૂડ સિક્યુરીટી પેટે દાહોદ જિલ્લાના બાળકોને ૨,૪૬,૦૦૦ બાળકોને ₹. ૫૪૬ લાખ ચૂકવવામાં આવ્યા છે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બીપીએલ કાર્ડધારકોને ₹. એક હજારની સહાય ચૂકવવાની ઘોષણા કર્યા બાદ જિલ્લામાં આવા ૨,૫૩,૦૦૦ ખાતાધારકોને ₹. ૨,૫૩૦ લાખનું ચૂકવણું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ₹. બે હજારના એક હપ્તા પેટે જિલ્લા ૧,૯૦,૦૦૦ ખેડૂતોને ₹. ૩,૮૦૦ લાખનું ચૂકવણું કરાયું છે. સરકાર દ્વારા સંચાલિતા છાત્રાલયોમાં રહી અભ્યાસ કરતા ૭,૪૧૨ છાત્રોને ₹. ૧૦૬ લાખનું ચૂકવણું કરવામાં આવ્યું છે. આ આંકડા એવા છે જેમાં લાભાર્થીઓએ પોતાના ખાતામાં જમા થયેલી સહાયનો ઉપાડ કર્યો હોય ! અત્યાર સુધીમાં ૧૧,૭૧,૪૧૨ લાભાર્થીઓએ બેંકોમાંથી આ રકમ ઉપાડી છે.
દાહોદ નગરમાં આવેલી ચાકલિયા રોડ સ્થિત બેંક ઓફ બરોડામાં સૌથી વધુ ૭૦ હજાર બચત ખાતા છે. બેેંક ઓફ બરોડાની આ શાખાના મેનેજર કૃણાલકુમાર કહે છે, લોકડાઉનમાં અમારે વિશેષ તકેદારી રાખીને કામ કરવું પડી રહ્યું છે. આ સમયમાં ડિપોઝીટ, વિડ્રોવલ, આર.ટી.જી.એસ. જેવી મુખ્ય કામગીરી વિશેષ થઇ રહી છે. બેંકોમાં બિનજરૂરી ભીડ ના લાગે એ માટે થઇ બેંક મિત્રોની કામગીરી ઉપર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. બેંકોમાં ગ્રાહકોના નિયંત્રણ માટે પોલીસ તંત્રનો સહયોગ મળ્યો છે. પોલીસકર્મીઓને ડિપ્લોય કરવામાં આવ્યા છે. વળી, નગરપાલિકા દ્વારા સેનિટાઇઝેશનની કામગીરી કરાઇ છે. લાભાર્થી ગ્રાહકોમાં ખોટી અફવાને કારણે પૈસા ઉપાડવા માટે ભીડ લાગી તે સમયે બેંકર્સને માટે કપરૂ થઇ પડ્યું હતું. પણ, પોલીસે આવીને સ્થિતિ સંભાળી લીધી હતી. બેંકના સ્ટાફને પણ ગ્રાહકોને હેન્ડ સેનિટાઇઝર આપવા કે થર્મલ સ્ક્રિનિંગ કરવા માટે બેસાડવામાં આવે છે. ઘણી વખત ગ્રાહકોના ગુસ્સાનો ભોગ પણ બનવું પડે છે. આવી સ્થિતિમાં પણ, બેંકો દ્વારા સતત કામગીરી કરવામાં આવી છે.