વહિવટી તંત્રના અધિકારીઓ, શિક્ષકો, નાગરિકો, વિદ્યાર્થીઓ, યોગ સાધકોએ યોગાભ્યાસ કર્યો.
૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દાહોદ જિલ્લા કક્ષાની ઉજવણી એમ.વાય.હાઈસ્કુલના સભાગૃહ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી.
સાંસદ જશવંતસિંહ ભાભોર, કલેક્ટર યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદારik દેવેન્દ્રસિંહ મીના તેમજ દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની વિશેષ ઉપસ્થિત.
દાહોદમાં આવેલ એમ.વાય.હાઈસ્કુલના સભાગૃહ ખાતે “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ”ની થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સહિત જિલ્લાના નાગરિકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો અને યોગ સાધકોએ ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલનો યોગાભ્યાસ કર્યો હતો.
આ ઉજવણી પ્રસંગે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના વડનગર ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ તથા તેમના સંબોધનને સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું.
દિપ પ્રાગટ્ય કરવાની સાથે શરુ કરવામાં આવેલ આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા કહ્યું હતું કે, યોગ એ આપણા ઋષિમુનિઓએ આપેલ એક એવી અનન્ય ભેટ છે. જે આપણા શારીરિક અને માનસિક શાંતિ આપવાની સાથે આરોગ્ય, સ્વાસ્થ્ય, તંદુરસ્તી તેમજ આંતરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. જેમાં વ્યક્તિગત વિકાસ પણ થાય છે. યોગથી સારી કોઈ કસરત નથી. યોગ એ લાંબા તેમજ સ્વસ્થ આયુષ્ય માટે અત્યંત જરૂરી છે. જેથી તમામ લોકોએ તેને પોતાના રોજીંદા જીવનમાં વણી લેવું જોઈએ.
આ સાથે ઉપસ્થિત સૌએ યોગાભ્યાસ કરીને છેલ્લે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પુર્ણાહુતિ કરી હતી. આ દરમ્યાન જિલ્લા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી મિલિન્દ દવે, જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ હરદાસાણી, જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ.દામાં, માર્ગ અને મકાન પેટા વિભાગના અધિકારી હિમાણીબેન શાહ, દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.