દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંગે ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજવામાં આવી હતી.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દાહોદ જિલ્લામાં પી.એન.જી. અને એલ.પી.જી. સહાય યોજના હેઠળ આવતા તમામ લાભાર્થીઓને વર્ષમાં બે વખત એલ.પી.જી. સિલિન્ડરનું રિફિલિંગ વિનામૂલ્ય કરી આપવામાં આવે છે. એપ્રિલથી જૂન મહિનાની વચ્ચે એક બોટલ અને ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાના સમયગાળા વચ્ચે એક બોટલ એમ વર્ષમાં બે બોટલ મફતમાં લાભાર્થીને ફાળવવામાં આવશે.
ફ્રી એલપીજી સિલિન્ડર તમામ લાભાર્થી સુધી પહોંચે તે માટે કલેક્ટર યોગેશ નિરગુડેએ તમામ એજન્સી ધારકોને સુચના આપી હતી કે, ફ્રી સિલિન્ડરની માહિતી લાભાર્થી સુધી પહોંચે તે માટે તમામ એજન્સીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી લાભાર્થીઓ સુધી માહિતી પહોંચાડવી અને શક્ય બને તો એજન્સી પર ચાર્ટ બેનર લગાવીને લાભાર્થીઓને ફ્રી સિલિન્ડર વિશે માહિતી આપવી જેથી લાભાર્થીઓ આ યોજનાનો પુરેપુરો 100 ટકા લાભ ઉઠાવી શકે.
આ બેઠકમાં ગેસ એજન્સીઓ પર ચાલતી બેદરકારી અને ગેસ એજન્સી ધારકો દ્વારા રાખવામાં આવેલ સપ્લાયરો દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા. જેમાં ખાસ કરીને કોઈ પણ એજન્સીના સપ્લાયરો દ્વારા ગેસ રિફિલિંગ કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી ગેસ એજન્સીની રહેશે અને જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરી મુદ્દામાલ જપ્ત કરી એજન્સીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત રહેલ તમામ તાલુકાના પુરવઠા વિભાગના નાયબ મામલતદાર અને પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટરોને કહ્યું હતું કે, મહિનામાં એક વખત દરેક ગેસ એજન્સીઓની વિઝીટ કરીને એજન્સીઓ પર કઈ રીતે કામગીરી ચાલે છે? કેટલો સ્ટોક છે? તેની માહિતી મેળવવી અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચાલતી હોય તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તમામ એજન્સીઓ પર અને ગેસ વિતરણ કરતા વાહનોમાં વજન કાંટો રાખવો જો નક્કી કરેલ વજનથી ઓછો બોટલનો વજન હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ અધિનિયમ 2000 અને ગેસ સિલિન્ડર અધિનિયમ 2016, આ બન્ને નિયમોનું સંપુર્ણ પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લામાં ચાલતી 28 ગેસ એજન્સીઓ છે. જેમાં ગરબાડા તાલુકામાં બે, ઝાલોદ તાલુકામાં ચાર, દેવગઢબારિયા તાલુકામાં ચાર, દાહોદ તાલુકામાં આઠ, ધાનપુર તાલુકામાં ત્રણ, ફતેપુરા તાલુકામાં ત્રણ, લીમખેડા તાલુકામાં બે, સંજેલી તાલુકામાં બે એજન્સીઓ એમ ટોટલ ૨૮ ગેસ એજન્સીઓ કાર્યરત છે.
આ બેઠકમાં દાહોદ ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી.આર. હરદાસાની, પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટર, તમામ તાલુકાના પુરવઠા વિભાગના નાયબ મામલતદાર, દાહોદ જિલ્લામાં ચાલતી 28 ગેસ એજન્સી ધારકો ઉપસ્થિત રહ્યા હતા.