THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
જનહિતના પ્રશ્નો ઉકેલવામાં અધિકારીઓ તત્પરતા દાખવી કામ કરે – કલેક્ટર શ્રી વિજય ખરાડી
કલેક્ટર કચેરી ખાતે આજે યોજયેલી ફરિયાદ અને સંકલનની બેઠકમાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉપસ્થિતિ અધિકારીઓને જનહિતના પ્રશ્નો ઉકલેવા તત્પરતા દાખવવા જણાવ્યું હતું. ફરિયાદ અને સંકલનની આજની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, જિલ્લાના જે લોકો સરકારની યોજનાના લાભોથી વંચિત છે, એવા લાભાર્થીઓનો અધિકારીઓ સ્વયં સંપર્ક કરી તેને યોજનાકીય લાભો અપાવે તો જનકલ્યાણની ભાવના સાકાર થશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, અરજદારો તેમને પડતી મુશ્કેલીના નિરાકરણ માટે સરકારી કચેરીમાં આવે છે અને એક અધિકારી તરીકે આપણા સૌની ફરજ બને છે કે, તે સમસ્યાનું બનતી ત્વરાથી નિરાકરણ લાવવું. રાજ્ય સરકારે પણ લોકો પ્રશ્નોના ઉકેલ માટે વિવિધ વ્યવસ્થા વિકસાવી છે. ફરિયાદ અને સંકલનની બેઠક એ વ્યવસ્થાનો એક ભાગ છે. આ બેઠકમાં વીજળી, પાણી, રસ્તા, બાંધકામ, વનીકરણ સહિતની બાબતો જનપ્રતિનિધિઓ સાથે ચર્ચવામાં આવી હતી અને આ સમસ્યાના નિકાલ માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું.
સંકલનની બેઠકમાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ કામગીરીના પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. બેઠકમાં ધારાસભ્ય વજુભાઇ પણદા, જિલ્લા વિકાસ અધિકારી આર. કે. પટેલ, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર, નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે, પ્રાંત અધિકારી તેજસ પરમાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.