જિલ્લામાં આગામી ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરિક્ષામાં વિદ્યાર્થીઓને જરૂરી તમામ સુવિધાઓ આપવા સૂચના
દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આગામી સમયમાં જિલ્લામાં ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ બોર્ડની પરિક્ષામાં પારદર્શકતા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વિદ્યાર્થીઓને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે એ રીતની વ્યવસ્થા માટે જરૂરી સૂચનો કલેકટરએ કર્યા હતા.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ કચેરીઓને યોગ્ય સંકલન થકી નાગરિકો સુધી વિવિધ યોજનાકીય લાભો સત્વરે પહોંચતા કરવા જણાવાયું હતું. બેઠકમાં નાગરિકો જેમના ૧૦ વર્ષ જુના આધાર કાર્ડ અપડેટ કરવાના બાકી હોય તેમના અપડેશનની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. જેથી તેઓને સરકારની યોજનાઓના લાભો આપી શકાય. બેઠકમાં CM ડેસ્કબોર્ડ અંતર્ગતની કામગીરી તેમજ રાઈટ ટુ CMO અંતર્ગત લોક ફરિયાદની અરજીઓનું સત્વરે નિરાકરણ લાવવા જણાવાયું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, લીમખેડા પ્રાંત અધિકારી રાજ સુથાર, ASP જગદીશ બાંગરવા, નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.