દાહોદ જિલ્લામાં એક ફૂડ ટેસ્ટિંગ મોબાઈલ લેબોરેટરી વાનની ફાળવણી, સ્થળ પર જ ખાદ્ય પદાર્થની તપાસ થશે.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા “ફૂડ સેફ્ટી ઓન વ્હીલ” (મોબાઈલ વાન) દાહોદ જિલ્લાને ફાળવવામાં આવી છે. આ “ફૂડ સેફ્ટી ઓન વ્હીલ” (મોબાઈલ વાન) અધ્યતન ટેકનોલોજીથી સજ્જ હોઈ, જુદી જુદી ખાદ્ય ચીજનું જે – તે સ્થળ પર જ પરિક્ષણ કરી શકાશે, જેમાં દુધમા ફેટ એસ.એન.એફ, યુરીયા વગેરે જેવા કેમિકલ તથા ખાદ્ય ચીજને વારંવાર તળવામાં આવતા તેલની પણ તપાસ કરી શકાશે.
એ સાથે વિવિધ ખાદ્ય ચીજોની પણ તપાસ કરવામાં આવશે. નાગરિકોને ગુણવત્તા યુક્ત ખાદ્ય પદાર્થ મળી રહે તે માટે “ફૂડ સેફ્ટી ઓન વ્હીલ” (મોબાઈલ વાન) વિવિધ તાલુકાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જઇને નાગરિકો અને ગ્રાહકોને ખાદ્ય ચીજ અંગેની જાગૃતિ મળી રહે તે સારૂ ખાદ્ય પદાર્થોનું ટેસ્ટીંગ (ચકાસણી) વિના મુલ્યે કરી આપવામાં આવશે.
જો ખાદ્ય પદાર્થમાં કોઈ નમુનો ભેળ-સેળયુક્ત પુરવાર થશે તો ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે ફુડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા નમુનાઓ લઈ કાયદેસરની કાર્યવાહી કરીને કાયદાકીય રીતે કડક પગલા લેવામાં આવશે એમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ વર્તુળ દ્વારા જણાવાયુ છે.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ સહિત ફુડ સેફટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.