દાહોદ જિલ્લાના લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જુન માસનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
જુન માસના સ્વાગત કાર્યક્રમમાં રસ્તા પરના દબાણ દુર કરવા, થયેલા કામના નાણાં ચુકવવા, જમીન માપણીની નોંધ કરવા, લોન અને હિટ એન્ડ રન કેસમાં વળતર સહિતના નવ અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા. તમામ અરજદારોના પ્રશ્નો સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી બને તેટલા ઓછા સમયમાં ઝડપથી અરજદારોના પ્રશ્નોનો ઉકેલ લાવવા દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ.બી.નિરગૂડે દ્વારા સુચન કરાયા હતા. સાથે જ સરકારની ગાઇડલાઇન મુજબ અને સમય મર્યાદામાં કાર્ય કરવા તંત્રના સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, નાયબ પોલીસ અધિક્ષક, સહિત અન્ય સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.