RTE અંતર્ગત પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રીનો આદેશ.
દાહોદ જિલ્લાના લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત જુલાઇ માસનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્ય્ક્ષ સ્થાને યોજાયો
જુલાઇ માસના સ્વાગત કાર્યક્રમમાં પાક નુકસાની વળતર , અરજદારે બેંકમાં કરેલ બચત મેળવવા સંબંધિત પ્રશ્ન , RTE અંતર્ગત પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી પાસેથી ફિ ઉઘરાવવા બાબતે રજુઆત, સહિતના અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા. તમામ અરજદારોના પ્રશ્નો સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી બને તેટલા ઓછા સમયમાં ઝડપથી અરજદારોના પ્રશ્નોનો ઉકેલ લાવવા દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ બી.નિરગૂડે દ્વારા સુચન કરાયા હતા. સાથે જ સરકારની જ ગાઇડલાઇન મુજબ અને સમય મર્યાદામાં કાર્ય કરવા તંત્રના સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરએ જિલ્લાની તમામ શાળાઓમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ પાસેથી કોઇ પણ પ્રકારની શાળામાં ફી ઉઘરાવવામાં આવી છે કે કેમ તેની તાત્કાલીક તપાસ કરવા અને કોઇ શાળા સરકાર દ્વારા જાહેર કરાયેલ નિયમનું ઉલ્લંઘન કરતી હોય તેની સામે કડક પગલા લેવા જણાવ્યું હતું
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલા સહિત અન્ય સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.