દાહોદ જિલ્લામાં નવા પરિપત્ર મુજબ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં નવા મતદાન મથકો ઉભા કરવા અને મતદાન મથકો બદલવા માટે જિલ્લા ચુંટણી અધિકારી સમક્ષ પ્રાથમિક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જુના પરિપત્ર મુજબ ૧૫૦૦ મતદારો પૈકી મતદાન મથક મંજુર કરવામાં આવતું હતું. પરંતુ નવા પરિપત્ર મુજબ ૧૨૦૦ મતદારો દીઠ મતદાન મથક બનાવવાનું હોય દરેક તાલુકામાં નવા મતદાન મથકો ઉભા કરવાના હોય તમામ તાલુકાના અધિકારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધી સાથે તમામ મતદાન મથકોની ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરએ મતદાન મથકોની કામગીરી સંભાળતા અધિકારીઓને મતદાન મથકોની મુલાકાત લઇ ઓરડાઓ ની સ્થિતિ જાણવા અને જરૂરી યોગ્ય લાગે તો મતદાન મથક બદલવા સાથે જ જિલ્લા પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો , રાજકીય પક્ષો સાથે નવા ઉભા કરાયેલા મતદાન મથકો અને ખસેડાયેલા મથકોની માહિતી આપી અભિપ્રાય લેવા જણાવ્યું હતું.
સાથે જ જિલ્લા કલેકટર એ નાયબ ચૂંટણી અધિકારી ને ચૂંટણીની કામગીરી સંભાળતા કર્મચારીઓ અને અધિકારીને ચૂંટણીલક્ષી તાલીમ આપવા જણાવ્યું હતું. તેમજ મતદાર યાદીમાં સુધારા કરવા નામ કમી કરવા અને નામ ઉમેરવાની કામગીરી વહેલી તકે પૂરી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.