- જિલ્લામાંથી વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી.
- ખેલમહાકુંભ ૨.૦ માં વિવિધ રમતોમાં વિજેતા થનાર ખેલાડીઓને રોકડ રકમથી પુરસ્કૃત કરાશે.
દાહોદ જિલ્લા સેવા સદન દાહોદ ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.બી.પાંડોરના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ ૨.૦ રજીસ્ટ્રેશનને લઈને બેઠક યોજાઈ હતી. ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત દાહોદ જિલ્લાને રજીસ્ટ્રેશને લઈ કુલ ૧ લાખ ૪૬ હજારથી વધુનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક પૂર્ણ થાય અને જિલ્લામાંથી વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.બી.પાંડોરે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.પાંડોરે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦નું રજીસ્ટ્રેશન શરુ થઈ ગયેલ છે. દાહોદ જિલ્લામાં પણ વધુને વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભ ૨.૦ માં ભાગ લઇ ને દાહોદ જિલ્લાનું નામ રોશન કરે. વિવિધ શાળાઓ,કોલેજોનાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય રમતપ્રેમીઓ તથા વધુને વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે અપીલ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. વધુમાં નિવાસી અધિક કલેકટરશ્રી એ ઉમેર્યું હતુ કે તમામ શાળાઓ, આઈ.ટી.આઈ, કોલેજમાં પ્રચાર પ્રસાર થકી વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે જરૂરી છે.
જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંગ રાઠવા એ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ ૨.૦નું ઓનલાઈન રજીસ્ટ્રેશન વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પર તા. ૨૩.૦૯.૨૦૨૩ થી શરૂ કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન માટે અંતિમ તા. ૧૮.૧૦.૨૦૨૩ છે. અં-૯,અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગૃપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે. ઉપરાંત કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફત રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ પણ પોતાના ગામ,શહેરની શાળા અથવા હાઈસ્કૂલમાંથી અથવા ખેલ મહાકુંભ માટેની વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જિલ્લા કક્ષાએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દેવગઢ બારિયા કચેરીએથી પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
આ રમત સ્પર્ધામાં ૯ વર્ષથી નીચે, ૧૧ વર્ષથી નીચે, ૧૪ વર્ષથી નીચે, ૧૭ વર્ષથી નીચે, ઓપન એજ ગૃપ, ૪૦ વર્ષથી ઉપર, ૬૦ વર્ષથી ઉપરના વયજુથ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ રમતો વયજુથ મુજબ યોજાશે ઉપરાંત વયજુથ મુજબની વિવિધ રમત સ્પર્ધાઓમા ખેલાડીઓ ભાગ લઈ શકે છે.
ખેલ મહાકુંભ ૨.૦ રજીસ્ટ્રેશનને યોજાયેલ બેઠકમાં ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી ગોહિલ,દેવગઢ બારિયા પ્રાંત અધિકારી શ્રી જ્યોતીબા ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારી શ્રી નીલેશ મુનિયા, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંગ રાઠવા, મામલતદાર શ્રી મનોજ મિશ્રા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જિગ્નેશ ડાભી, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ઉષાબેન ચૌધરી, જિલ્લાના તમામ બી.આર.સી સી.આર.સી, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના પ્રતિનિધિ અને જિલ્લાના વિવિધ રમતના કોચ – ટ્રેનરો તેમજ રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.