keyur Parmar – Dahod
દરેક પ્રચાર સાહિત્ય ઉપર પ્રિન્ટર અને પ્રકાશકનું નામ તથા નકલોની સંખ્યા ફરજીયાત છપાવવાની રહેશે : જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી જે. રંજીથકુમાર
દાહોદ વિધાન સભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ ની જાહેરાત તા.૨૫/૧૦/૨૦૧૭ ના રોજ થયેલ છે. તદનુસાર મતદાન તા.૧૪-૧૨-૨૦૧૭ ના રોજ અને મતગણતરી તા.૧૮-૧૨-૨૦૧૭ ના રોજ યોજાશે. આ અંગેનું જાહેરનામું તા.૨૦-૧૧-૨૦૧૭ ના રોજ બહાર પડશે. આ ચૂંટણી સંબંધી ખર્ચ સહિત ચૂંટણી લક્ષી અન્ય જાણકારી માટેની રાજકીય પક્ષ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથેની બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી જે. રંજીથકુમારના અધ્યક્ષસ્થાને જીલ્લા સેવા સદન સભા ખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે રંજીથકુમારે ચૂંટણી સંબંધી વિગતો આપતાં જણાવ્યું હ્તું કે આગામી તા.૨૦ મી ના રોજ જાહેરનામા સાથે ઉમેદવારો નિયત સમય મર્યાદામાં ચાલુ દિવસ દરમિયાન તા.૨૭-૧૧-૨૦૧૭ સુધી ઉમેદવારી પત્ર બપોરના ૧૫-૦૦ કલાક સુધી ભરી શકશે. ઉમેદવારના ચૂંટણી ખર્ચની મર્યાદા ૨૮ લાખ રૂપિયા સુધીની છે. ઉમેદવારી પત્ર ભર્યા તારીખથી પરિણામ જાહેરાત સુધીના ખર્ચના હિસાબો લખવા, હિસાબો ન લખે તો IPC-171.1 હેઠળ ચૂંટણી ગુન્હો બને, પેઇડ ન્યુઝ/જાહેરાત, પ્રચાર જાહેર સભા, રેલીની પરવાનગી સમયે સંભવિત ખર્ચ પ્લાન મંજુરીની અરજી સાથે જ આપવાનો રહેશે. ઉમેદવારના નામનું અથવા ચૂંટણી મેનેજમેન્ટ અને ઉમેદવારના સંયુકત નામ વાળું બેન્ક ખાતું ઉમેદવારી પત્ર ભરવાના એક દિવસ પહેલાં નવું ખાતું ખોલાવવાનું રહેશે, ઉમેદવારોએ નિભાવવાના રજીસ્ટરો, દરેક પ્રચાર સાહિત્ય ઉપર પ્રિન્ટર અને પ્રકાશકનું નામ તથા નકલોની સંખ્યા ફરજીયાત છપાવવી, વાહન પરવાનગી મેળવવી, ચૂંટણી ખર્ચ દેખરેખ ટીમ અને સેકટર ઓફિસર્સ, મતદારો, મતદાન મથક તથા મતદાન સ્થળ, આવનાર ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી ખર્ચ વગેરે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં મતદાન અને મતગણતરી વખતે ઉમેદવારે નિમેલા એજન્ટની ફરજો અંગે સમજ આપતાં સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં નોડલ અધિકારી, ખર્ચ દેખરેખ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલ મયાત્રાએ ઉમેદવાર, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, એજન્ટોએ ચૂંટણી લક્ષી રાખવાની તકેદારી સહિત જો ઉમેદવારના સ્ટાર પ્રચારક આવે –હેલી કોપ્ટર દ્વારા આવે ત્યારે તેની પરવાનગી અગાઉથી મેળવી લેવા સાથે તેનો ખર્ચ ઉમેદવારના ખર્ચ ગણવા સાથે તેઓના પ્રચાર માટે આવતા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનો ખર્ચ જે તે ઉમેદવારના ખર્ચમાં ગણાશે. જે તે ઉમેદવારે સભા માટે વપરાતા ફરાસખાનાનો ખર્ચ બતાવવાનો રહેશે. તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિડિયો—ફોટોગ્રાફી કરવામાં આવશે. અને તે પ્રમાણે ખર્ચ ગણાશે. પેઇડ ન્યૂઝ અને પેઇડ જાહેરાત બાબતે પણ પરવાનગી મેળવી લેવાની રહેશે. તેનો ખર્ચ પણ બતાવવાનો રહેશે.બેઠકમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ મામલતદારશ્રી રમેશ પરમારે સમગ્ર બેઠકનું સંચાલન કરતાં ઉમેદવારે રાખવાના હિસાબો, મતદાન—મતગણતરીના દિવસની કાર્યવાહીની વિગતો પૂરી પાડી હતી. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પી.એસ.પ્રજાપતિ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ઇલેકટ્રોનિક-પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.