THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ રમઝાન માસની પૂર્ણાહુતિ અને તે પ્રસંગે ઉજવાતા ઇદના તહેવાર અનુલક્ષીને તમામ મુસ્લિમ સમાજને શુભકામનાઓ પાઠવી છે અને રમઝાન ઇદનો તહેવાર સામાજિક અંતરના પાલન, સેનિટાઇઝેશનના અનુપાલન સાથે મનાવવામાં આવે તેવી અપીલ કરી છે.
જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ આપેલા શુભકામના સંદેશમાં કહ્યું કે પવિત્ર રમઝાન માસ દરમિયાન દાહોદના સમગ્ર મુસ્લિમ સમાજે રોજા રાખી ઇબાદત કરી છે. આ રમઝાન માસમાં કોઇ પણ સામુહિક બંદગી ન કરીને તમામ લોકોએ ખૂબ જ નેકીનું કામ કર્યું છે. વહીવટી તંત્ર અને પોલીસને અત્યાર સુધી મુસ્લિમ સમાજે સુંદર સહયોગ આપ્યો છે. કોરોના વાયરસના સંક્રમણ ના સમયમાં તમામ લોકો પોતાની જવાબદારી સ્વયંભૂ સમજયા છે. હવે, માત્ર ઇદના દિવસે પણ એવું અનુશાસન રાખવાનું છે.
કલેક્ટર વિજય ખરડીએ એવી લાગણી વ્યક્ત કરી છે કે, ઇદનો તહેવાર માત્ર ખૂબ જ નજીકના પરિવાર સાથે જ ઘરમાં મનાવીએ તો ઉત્તમ રહેશે. ખોટી રીતે જાહેરમાં ટોળા વળીને જમાવડી ના કરીએ. ઇદના પ્રસંગે મુબારકબાદીની આપલે પણ સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને કરીએ. ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધો, નાના બાળકો, સગર્ભા મહિલા ઇદ મનાવવા ઘર ની બહાર ન નીકળે એની ખાસ તકેદારી રાખવી પડશે. વારંવાર હાથ ધોવા અને સેનિટાઇઝ કરતા રહેવાનું છે.
જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ પુનઃ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાઇ એ માટે સાવચેતી સાથે ઇદ પર્વની ઉજવણી કરવા જાહેર અપીલ કરી છે.