- પ્રિ-મોન્સૂનને ધ્યાને રાખી વોટર હાર્વેસ્ટિંગ તેમજ ગામોના વિકાસ માટેના કામોને પ્રાધાન્ય આપી કામગીરી કરવા સૂચના અપાઈ.
- વાવાઝોડાના કારણે અસર ગ્રસ્ત થયેલા લોકોને વળતર આપવાની કામગીરી તાત્કાલિક પણે કરવી – પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલ
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતા તેમજ કલેકટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિ હેઠળ દાહોદ જિલ્લાના વિકાસના કામોને ધ્યાને રાખીને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન દાહોદ જિલ્લાના વિકાસના કામો કઈ રીતે કરવા તેના આયોજનની વિગતો સંબંધિત અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૨૨ – ૨૩ તેમજ વર્ષ ૨૦૨૪ – ૨૫ ની વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ, નાણાકીય અને ભૌતિક પ્રગતિની વિગતોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ સાથે વાવાઝોડાના કારણે અસર ગ્રસ્ત થયેલ પરિવારો કે જેમાં ઘરને થયેલ નુકસાન, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ અને આગના બનાવો થકી થયેલ નુકસાનના વળતર ઝડપથી આપવા જણાવાયું હતું. દાહોદ જિલ્લામાં મંજુર થયેલ યોજનાઓ અને મળવાપાત્ર રકમ, પ્રાથમિક મંજૂરી રકમ, વહીવટી મંજૂરી રકમ, વહીવટી મંજૂરીના કામો, પૂર્ણ થયેલા કામો, પ્રગતિ હેઠળના કામો, શરૂ ન થયા હોય તેવા કામોની તાલુકા વાર વિગતો રજૂ કરી સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે પ્રિ-મોન્સૂનને ધ્યાને રાખી વોટર હાર્વેસ્ટિંગ તેમજ ગામોના વિકાસ માટેના કામોને પ્રાધાન્ય આપી કામગીરી કરવા પણ સચિવ રાજકુમાર બેનિવાલ દ્વારા સૂચના આપવામાં આવી હતી. અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપતાં સચિવ રાજકુમાર બેનિવાલે કહું હતું કે, કામગીરી કરવા સાથે તેનો રીવ્યુ પણ રજૂ કરવાના રહેશે. તમામ કામગીરી કરવામાં આપસમાં તાલમેલ હોવો જરૂરી છે, જેથી કરીને કામગીરી કરવામાં પણ સરળતા રહેશે.
આ નિમિતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્રસિંહ મિણા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ, ધારાસભ્ય ઝાલોદ, ધારાસભ્ય ફતેપુરા, ધારાસભ્ય ગરબાડા, નગરપાલિકા ચીફ ઓફિસર, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, વન વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, નગરપાલિકા પ્રમુખો, તાલુકા પંચાયત પ્રમુખો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.