દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની પાણી પુરવઠાની જરૂરિયાત માટે જાહેર આરોગ્ય અને બાંધકામ વિભાગ ધ્વારા ભાણાસીમલ-૧, ભાણાસીમલ-૨, માછણનાળા, ગોલાવ, મંગોઇ જૂથ પાણી પુરવઠા યોજના, પાટાડંગરી તથા કડાણા જળાશય આધારિત બલ્ક પાઇપલાઇન યોજના ધ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ યોજનાઓ માટેની પાઇપ લાઇન જે ગ્રામ્ય વિસ્તારો માંથી પસાર થાય છે. ત્યાં પાઇપલાઇનને ગેરકાયદેસર રીતે તોડફોડ કરી અનઅધિકૃત કનેકશન લઇ પણીની ચોરીની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેને અંકુશમાં લેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે.જે.બોર્ડરે કાયદાકીય કલમો હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવેલ છે.
તદનુસાર દાહોદ જિલ્લા વિસ્તારમાં પાણી પુરવઠા યોજનાઓ તથા બલ્ક પાઇપલાઇન યોજનાઓ વિવિધ ગામોમાંથી પસાર થાય છે. જેમાં પાઇપલાઇનો, પાણીના સમ્પ, ટયુબવેલ, પાવર હાઉસ, વિધુત ઉપકરણો વગેરેની જાળવણી સારી રીતે થાય, તેમાં કરવામાં આવતા નુકશાનને અટકાવવા માટે, પાણી પુરવઠા વ્યવસ્થા પર થતી વિપરીત અસરો અટકાવવા માટે જે તે વિસ્તારને પ્રતિબંધિત વિસ્તારો તરીકે ફરમાવેલ છે.
આ પ્રતિબંધિત વિસ્તારમાં કોઇપણ વ્યકિતએ અનધિકૃત રીતે પ્રવેશ કરવો નહિ. આ વિસ્તારોમાં આવેલ પાઇપલાઇનો પાણીના સમ્પ, ટયુબવેલ, પાવર હાઉસ, વિધુત ઉપકરણો વગેરેને નુકશાન કે તોડફોડ કરી પાણી પુરવઠા વ્યવસ્થાને વિક્ષેપિત થાય તેવું કૃત્ય કરવા નહી, પાણીના જથ્થાને પમ્પ, ટેન્કર કે અન્ય કોઇપણ સાધન વડે ભરી લઇ જવો નહી કે પાણીના જથ્થાનો અન્ય સ્થળ કે વિસ્તાર તરફ બદલવો નહી.
આ હુકમ જે ગામોને પાણીની તંગીને કારણે ટેન્કર અથવા અન્ય સાધનો વડે પાણી પહોંચાડવા માટે સક્ષમ અધિકારી તરફથી મંજુરી આપવામાં આવેલ હોય તેવા વાહનોને તથા સરકારી ફરજમાં રોકાયેલ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના વાહનોને લાગુ પડશે નહી.
આ હુકમનું ઉલ્લંધન કરનાર શખ્સને ભારતીય દંડ સંહિતા-કલમો હેઠળ શિક્ષાને પાત્ર થશે.