દાહોદ જીલ્લાના ખેડૂતોને કમલમ ફળ (Dragon Fruit) ના વાવેતર માટે રાજ્ય સરકારની સહાય મળશે. આ માટે ખેડુતોએ આગામી તા. ૮ ઓગષ્ટ સુધીમાં આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
કમલમ ફળ (Dragon Fruit) ની લોકપ્રિયતા મુખ્યત્વે તેના આકર્ષક દેખાવ અને તેના પૌષકતત્વો, ઔષધિય તેમજ એન્ટીઓક્સીડન્ટ ગુણધર્મોને કારણે છે. આ વાવેતર માટે સહાયના કાર્યક્રમથી આ પાક હેઠળનો વિસ્તાર ઝડપથી વધારી શકાય તેમ છે તેમજ પરદેશમાંથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય તેમ છે તેમજ ગુજરાતમાંથી અન્ય દેશોમાં નિકાસ દ્વારા રાજ્ય ને વિદેશી હુંડીયામણ મેળવવાની વિપુલ તકો રહેલી છે. શરૂઆતમાં ઊચાં રોકાણ સામે જરૂરી નાણાંકીય સહાય મળે તેમજ ઉત્પાદનનાં મૂલ્યવર્ધન થકી સારા બજારભાવ મેળવી શકાય તે હેતુસર બાગાયતી યોજનાઓ અંતર્ગત કમલમ ફળ (Dragon Fruit) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ મંજુર થયો છે. આ યોજનાનો મહત્તમ લાભ લઇ શકે તે માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૦૯/૦૭/૨૦૨૨ થી તા.૦૮/૦૮/૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. ઉક્ત સમયગાળા દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) પર ઓનલાઇન અરજી કરવા નાયબ બાગાયત નીયામકએ જણાવ્યુ છે.
અરજી કર્યા બાદ સાધનિક કાગળો સાથેની અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નંબર ૨૩૩, જિલ્લા સેવા સદન, દાહોદ (ટેલીફોન નંબર: ૦૨૬૭૩-૨૩૯૨૫૧) પર દિન-૭ માં મોકલી આપવી.