આજ રોજ તારીખ ૨૪/૦૨/૨૦૧૬ બુધવારના રોજ દાહોદ શહેર તથા જિલ્લાના પોલીસ અધિક્ષક મનોજ નિનામા ઝાલોદ તાલુકાની લીમડી નજીક રૂપાખેડા ગામમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લીધી હતી. ત્યાં તેમની સાથે પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભૂરીયા, દિનેશભાઇ નિનામા પ્રમુખ તાલુકા પંચાયત ઝાલોદ, મુકેશભાઇ ખાંગુડા તાલુકા પંચાયત સભ્ય લીમડી, કાળુભાઇ સરપંચ ગ્રામ પંચાયત રળીયાતી ગુર્જર, રમેશભાઈ સરપંચ ગ્રામ પંચાયત મોલી તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સી. આર. સી. કો-ઓર્ડીનેટર હેમાંભાઈ રાઠોડ પણ હજાર રહ્યા હતા. જ્યારે દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોજ નિનામા શાળામાં આવ્યા ત્યારે શાળાની બાલિકા દ્વારા તેમને ચાંદલો કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે શાળાની બાલિકાઓ દ્વારા લેઝીમના દાવ કરી સ્ટેજ સુધી લઈ જવામાં આવ્યા હતા. તેમણે બાલિકાઓને શાળામાં ભણતર કેવું ચાલે છે, તેમણે રહેવાની કેવી વ્યવસ્થા છે તે વિષે શાળાના વોર્ડન કમ આચાર્યા પ્રીતિબેન પંડ્યા પાસેથી બધી વિગત લીધી હતી. જ્યારે શાળાની બાલિકાઓ દ્વારા સૌ પ્રથમ એક સ્વાગત ગીત દ્વારા તેમનું સ્વાગત કરાયા બાદ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતા કરાટેનું ડેમોસ્ટ્રેશન શાળાના કરાટે કોચ કેયુર પરમાર દ્વારા તૈયાર કરાયેલ બાલિકાઓ દ્વારા બતાવવામાં આવ્યું હતું.
પોલીસ અધિક્ષક મનોજ નિનામાએ શાળાની બાલિકાઓને સંબોધતા કહ્યું કે મારી આ મુલાકાત વખતે શાળાનું ખુબ જ સારું વાતાવરણ જોવા મળેલ છે. શિક્ષણકાર્યમાં તમામ શિક્ષકો ખુબ જ ઉત્સાહ અને ધગસથી કાર્ય કરતાં હોવાનું માલૂમ પડેલ છે. તથા કે.જી.બી.વી. ખાતે સર્વ શિક્ષા અભિયાન નીચે બાલિકાઓ પોતાના સ્વરક્ષણ રૂપે કરાટે શીખે છે તેવી ખુબજ અગત્યની કામગીરી કરવામાં આવે છે. બાલિકાઓને રહેવા / જમવાની ઉત્તમ વ્યવસ્થા બદલ આ શાળાના આચાર્યા, શિક્ષકો, શાળાના આગેવાનોને ખુબજ અભિનંદન પાઠવું છું. અને ભવિષ્યમાં શાળાની બાલિકાઓની પ્રગતિ અર્થે શુભેચ્છા પાઠવું છું.