EDITORIAL DESK – DAHOD
કોઇપણ વ્યક્તિ, કુટુંબ કે સમાજના ઉત્કર્ષ માટે શિક્ષણ અતિઆવશ્યક છે, બાળકના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ વાલી શિક્ષક અને સમાજના હાથમાં રહેલું છે. : પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની જ્યોતના પ્રકાશને વધુને વધુ પ્રકાશિત કરવા માટે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાજ્ય વ્યાપી ત્રણ દિવસ માટે દર વર્ષે યોજવામાં આવે છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં પડાવ અને દાહોદ અનાજ મહાજન ગૌશાળા દોલતગંજ કુમાર શાળા શહેરી વિસ્તારના ૭૧ બાળકોને ધો. ૧ માં પ્રવેશ રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે કુમ કુમ તિલક, શૈક્ષણિક કિટ્સ અને ચોકલેટથી મોં મીઠુ કરાવી અપાવ્યો હતો. આંગણવાડીના નાના ભુલકાંઓને પણ રમકડા અને ચોકલેટ આપી પ્રવેશ અપાવ્યો હતો.
આ પ્રસંગે પશુપાલન રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણની આહલેક ૨૦૦૩ થી લગાવી હતી. કોઇપણ વ્યક્તિ, કુટુંબ કે સમાજના ઉત્કર્ષ માટે શિક્ષણ અતિઆવશ્યક છે. કોઇપણ ક્ષેત્રના વિકાસના પાયામાં શિક્ષણ જ મહત્વનો ભાગ ભજવે છે. તેવા દિર્ધ કાલિન વિચાર સાથે શિક્ષણની જ્યોત પ્રજ્જવલ્લિત કરી હતી. આ જ્યોતનો પ્રકાશ ગ્રામિણ અને શહેરી વિસ્તારમાં ખૂબ ઝડપથી ફેલાયો છે. રાજ્ય સરકાર દ્વારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક સુવિધાઓની કોઇ કચાશ બાકી રાખી નથી. ત્યારે વાલી, બાળક, શિક્ષક અને સમાજના આગેવાનોએ જાગૃત થવાની જરૂર છે. તો જ રાજ્ય સરકારનું આદિવાસી પછાત વિસ્તારોના સર્વાંગી વિકાસ માટેનું સ્વપ્ન સાકાર થઇ શકશે. શિક્ષકે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સંવેદના સાથે પોતાની ફરજો અદા કરવી પડશે તેમ અનુરોધ સાથે શિક્ષકોને શ્રી ખાબડે ટકોર કરી હતી.
વધુમાં શ્રી ખાબડે જણાવ્યું હતું રાજ્ય સરકાર ગ્રામિણ ક્ષેત્રના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી ડોક્ટર, એન્જિનીયર બને તે માટે ઉચ્ચ શિક્ષણ માટેની વિૅજ્ઞાન શાળા કોલેજો તમામ તાલુકાઓમાં ખોલવા સાથે ગુરૂગોવિંદ યુનિર્વસીટી પંચમહાલ ખાતે શરૂ કરી છે. રાજપીપળા ખાતે આદિવાસી યુનિર્વસીટી સહિત દાહોદ ખાતે મેડિકલ કોલેજ, દિકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે મફત શિક્ષણ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. ત્યારે વાલીએ જાગૃત થઇ પોતાના બાળકને પુરતું શિક્ષણ અપાવવું પડશે તેવી શ્રી ખાબડે વિનંતી કરી હતી.
આ પ્રસંગે શાળામાં ભણતા તેજસ્વી તારલાઓનું શૈક્ષણિક કિટ્સ મંત્રીશ્રીના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું. પડાવ તથા દોલતગંજ કુમાર પ્રા.શાળામાં લોક સહકાર આપેલ દાતાઓનું મંત્રીશ્રી બચુભાઇ ખાબડે શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. જ્યારે દિકરીઓને સમાજ કલ્યાણ વિભાગ દ્રારા સાયકલ વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવી હતી.ત્યારબાદ શાળાના પટાગણમાં મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ સુશ્રી સંયુકતાબેન મોદી, નગરપાલિકાના ઉપપ્રમુખ ગુલશન બચાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જોષી, નગરપાલિકાના કાઉન્સીલરો, લાયઝન અધિકારી જનક પટેલ, નગરજનો, વાલીઓ, વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.