THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નગરમાં ત્રિદિવસીય પુસ્તક મેળાને આજે તા.૦૬/૧૨/૨૦૧૯ ને શુક્રવારના રોજ જિલ્લાના તેજસ્વી તારલાઓ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે. તા.૦૬/૧૨/૨૦૧૯ શુક્રવાર થી તા.૦૮/૧૨/૨૦૧૯ રવિવાર સુધી ચાલનારા આ પુસ્તક મેળાનો આજે સવારે પંડિત દીનદયાલ હોલ, વિવેકાનંદ સંકુલ, ગોવિંદનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે. સાહિત્યના ખજાનાને માણવાના અવસરને નગરજનોએ વધાવી લીધો છે અને મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમી જનતા પુસ્તક મેળાની મુલાકાત લઇ રહી છે. આજ રોજ પુસ્તક મેળાની જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ પણ મુલાકાત લીધી હતી અને સમગ્ર આયોજનનું નિરીક્ષણ કર્યુ હતું. પુસ્તક મેળામાં વાર્તાઓ, નવલકથાઓ, અધ્યાત્મ, કવિતા, હાસ્ય, શિષ્ટ સાહિત્ય, પ્રેરણાદાયી પુસ્તકો, અનુવાદીત પુસ્તકો, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના બેસ્ટસેલર પુસ્તકોનો રસથાળ સાહિત્યપ્રેમીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
બાળકો માટેના સરસ ચિત્રો સાથેનો વાર્તાઓનો ખજાનો પણ અહીં જોવા મળી રહ્યો છે. દાહોદ નગરમાં સ્માર્ટ સીટી હેઠળ થઇ રહેલા વિકાસ કામોની માહિતી આપતો સ્ટોલ પણ વહિવટી તંત્ર દ્વારા રાખવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લા માહિતી કચેરી, દાહોદ દ્વારા આદિવાસી સંસ્કૃતિની સચિત્ર ઝલક આપતો સ્ટોલ પણ પુસ્તક મેળાનું આકર્ષણ બન્યો છે. જિલ્લા માહિતી કચેરી દ્વારા રાજય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતા પુસ્તકોનું પણ નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યુ છે. દરરોજ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ભવાઇ અને પપેટ શોનું આયોજન કરવામાં આવ્યું છે.