THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં અગ્રતાના ધોરણે લોકોના આરોગ્યની ચકાસણી કરાશે.
દાહોદ નગર અને જિલ્લામાં કોરોના વાયરસના વધતા જતા પ્રભાવને રોકવા માટે એકશન મોડમાં આવેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જ ઝાટકે ૫૫ જેટલા ધન્વંતરિ રથ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. માત્ર દાહોદ નગરમાં જ આવતી કાલ મંગળવારથી ૪૮ મેડિકલ ટીમો સાથે ૩૩ ધન્વંતરિ રથો ફરતા કરી દેવામાં આવશે.
કલેક્ટર વિજય ખરાડીએ માહિતી આપતા જણાવ્યું છે કે, દાહોદ નગર સિવાય તાલુકામાં ૨૨ ધન્વંતરિ રથો દ્વારા વ્યાપક પ્રમાણમાં હેલ્થ સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવશે. ધન્વંતરિ રથમાં તબીબો સાથેની ટીમ તૈનાત રહેશે અને તે ખાસ કરીને કોરોનાનું સંક્રમણ જે વિસ્તારોમાં વધુ ફેલાયું છે, ત્યાં વ્યાપક પ્રમાણમાં આરોગ્ય ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવશે. અહીં ગોવિંદનગર, ગોદી રોડ, ગોધરા રોડ, ડબગરવાડ, ઘાંચીવાડ, દેસાઇવાડ સહિતના વિસ્તારોમાં ધન્વંતરિ રથો દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને આ માસ હેલ્થ સ્ક્રીનિંગમાં સહયોગ આપવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, લોકો કોઇ પણ ડર વીના પોતાના આરોગ્યની તપાસણી કરાવે. જેથી કોરોના વાયરસનું નિદાન સમયસર થઇ શકે અને તેનો ઉપચાર ચાલું કરાવી શકાય.