THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદનાં રેલ્વે સ્ટેશનને દેશના અગ્ર હરોળના રેલ્વે સ્ટેશનોમાં લાવવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ – સાંસદ જસવંતસિંહ ભાભોર
દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરે દાહોદનાં બોરડી ખાતે ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું છે. બોરડી ખાતે આજે તા.૧૬/૦૮/૨૦૨૨ ને મંગળવાર નાં રોજ સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પશ્વિમ રેલવે મંડલ પ્રબંધક દ્વારા દાહોદ બોરડી વચ્ચે સમપાર સંખ્યા ૪૮ ખાતે રૂ. ૫૮ કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દાહોદનાં રેલ્વે સ્ટેશને જન સુવિધાઓ વધારીને દેશના અગ્રહરોળના રેલ્વે સ્ટેશનોમાં લાવવા માટે કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી હોવાનું જણાવ્યું હતું.
જનસુખાકારીના કામો કરવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા સાંસદ જશવંતસિંહ ભાભોરે કહ્યું કે, દેશના અગ્ર હરોળના ૧૨૩ રેલ્વે સ્ટેશનોમાં દાહોદનું રેલ્વે સ્ટેશન સ્થાન પામે એ માટે કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે. બોરડી ખાતે રૂ. ૫૮ કરોડના ખર્ચે તૈયાર થનારા ઓવર બ્રિજથી લોકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે. સામાન્ય માણસો ઓવર બ્રિજના અભાવે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખતે ઘર એક તરફ હોય છે અને રેલ્વેની બીજી તરફ ખેતરો હોય છે. દાહોદ નગરમાં ગોદી રોડ ઉપરની આવી સમસ્યાઓને ઓવરબ્રિજ બનાવીને દૂર કરાઇ છે. જિલ્લામાં ઓવરબ્રિજની ખૂબ જરૂરિયાત હોય ત્યાં સત્વરે ઓવર બ્રિજ બનાવવાનું તેમજ જિલ્લામાં રેલ સુવિધાઓ વધારવા માટેની વાત કરતા સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, દાહોદ ઇન્દોર રેલ શરૂ થાય એ માટે પ્રધાાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મંજૂરી આપીને ઝડપથી કામગીરી શરૂ કરાવી છે. રૂ. ૫૬૬ કરોડના ખર્ચે દાહોદ – કતવારા રેલ સુવિધાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે અને સત્વરે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થતા તેનો લાભ લોકોને મળશે. દાહોદ રેલ્વે સ્ટેશન ઉપર વિકલાંગ, વૃદ્ધો, બિમારી લોકો સીડી ચઢી શકતા નથી. તેના માટે માંગણી કરવામાં આવી છે અને ટૂંકા ગાળામાં આ સમસ્યા નિવારવામાં આવશે.
THIS NEWS IS POWERED BY –– AVSAR PUJAPA & DECORATION
તેમણે જિલ્લામાં અન્ય જનકલ્યાણના કામો પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો સાથે ચાલી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. અહીંના વિસ્તારમાં રૂ. ૫ કરોડના ખર્ચે સિંચાઇ માટેનો ડેમ તેમજ તળાવો ભરવામાં આવશે. મોટા તળાવો પણ ભરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હોય તે યોજના ઓના લાભ પણ ટૂંક સમયમાં લોકોને મળતા થશે તેમ સાંસદ જશવંતસિંહ ભાભોર ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય વજુભાઇ પણદા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, અગ્રણી સુધીરભાઇ લાલપુરવાલા, કનૈયાલાલ કિશોરી, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.