દાહોદ તાલુકાના રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત ના માર્ગદર્શન હેઠળ અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ગિરવર બારીયા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણીયાના અધ્યક્ષ સ્થાને સ્ક્રીનીંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા બ્લડપ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેનો હેતુ લોકોમાં હાઈ બ્લડપ્રેશર પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેનું સમયસર નિદાન તેમજ નિયંત્રણનું મહત્ત્વ સમજાવવાનો છે.
જેને અનુલક્ષીને હાયપરટેન્શન (અથવા બ્લડ પ્રેશર વધવું) આજે સૌથી સામાન્ય છતાં ગંભીર રોગોમાંથી એક છે. વિશ્વભરમાં લાખો લોકો આ રોગથી પીડાઈ રહ્યા છે અને તે હ્રદયરોગ, સ્ટ્રોક અને કિડની ફેઇલ્યુરના મુખ્ય કારણો પૈકી એક છે. હાયપરટેન્શનમાં સમયસર બ્લડ પ્રેશર ન માપવાથી તેનું જોખમ વધી શકે છે. યોગ્ય જીવનશૈલી, વ્યવસ્થિત આહાર, વ્યાયામ અને નિયમિત ચકાસણી દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. સરકાર અને આરોગ્ય વિભાગ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિવિધ અભિયાન ચલાવી રહ્યા છે. લોકોને વિનંતી છે કે તેઓ નિયમિત રીતે બ્લડ પ્રેશરની તપાસ કરાવે અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે.
આમ આજ રોજ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – 3 દ્વારા હાયપરટેન્શન સ્ક્રીનીંગ કેમ્પમાં 233 લોકોની બ્લડપ્રેશરની તપાસ અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી.જેમા 64 નવા બ્લડપ્રેશરના અને 38 ડાયાબિટીસના નવા દર્દીઓ મળી આવ્યા હતા. તમામ નવા દર્દીઓને યોગ્ય કાઉન્સેલિંગ કરી સારવાર પર મુકવામાં આવ્યા તેવું અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – 3 મેડિકલ ઓફિસર ડૉ કિંજલ નાયક દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મેડિકલ ઓફિસર સ્ટાફબ્રધર, સી એચ ઓ, એમ પી એચ ડબલ્યુ ,આશા બહેનો હાજર રહ્યા હતા.વધુમાં અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવવામા આવ્યું કે, સામાન્ય માણસે દર 6 મહિને બ્લડપ્રેશર ની તપાસ કરાવવી જોઈએ અને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ના દર્દીઓએ દર મહિને તપાસ કરાવવી જોઈએ.