દાહોદ શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટેની બોર્ડ બેઠક સ્માર્ટ સિટીના ચેરમેન અને જિલ્લા કલેક્ટરશ્રી વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટેની કામગીરી પુરવેગે આગળ વધી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૧૬ કરોડ અને રાજ્ય સરકાર દ્વારા ૧૭ કરોડ રૂપિયા મળીને કુલ ૩૩ કરોડ રૂપિયાની થોડા સમય પહેલાં જ ફાળવણી કરવામાં આવી છે. આ સાથે ટાટા કન્સલટન્સી અને PWC સાથે એગ્રીમેન્ટ થઇ ચુક્યો છે. મંગળવારે આયોજિત બોર્ડ મીટીંગમાં સ્માર્ટસિટી અંતર્ગત મંજુર થયેલા તમામ પ્રોજેક્ટરની ડિટેઇલ પ્રોજેક્ટર રિપોર્ટ (DPR) એક જ માસમાં બનાવી દેવાની કંપનીને સુચના આપવા સાથે તેની ઉપર ચર્ચા કરાઇ હતી. આગામી બોર્ડમાં આ તમામ DPR નું નીરીક્ષણ કરવામાં આવશે. સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત જરૂરી સ્ટાફ લેવાની ચર્ચા સાથે શહેરમાં પ્રજાલક્ષી અને લોક હિતકારી કામો પહેલાં લેવા માટેનો નિર્ણય લેવાયો હતો. અગ્રતાના ધોરણવાળા કામોમાં કલેકટર કચેરી પરિસરમાં જ કમાન્ડ કંટ્રોલ સેન્ટર વહેલી તકે બનાવવા સાથે સિટી બસ, ટ્રાફિક સાઇન બોર્ડ, સ્લમ વિસ્તાર ડેવલપમેન્ટ, ઘન કચરાના નિકાલ અને સ્ટાફ ભરવાનું કામ સૌ પ્રથમ હાથ ઉપર લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર અને સ્માર્ટસિટીના CEO આર.એમ.ખાંટ, ગાંધીનગરના એડિશ્નલ CEO એમ.એસ. પટેલ, વડોદરા ઝોનના મ્યુનિસીપલ કમિશ્નર અમૃતેશ ઓરંગાબાદરક, ચીફ ઓફીસર પ્રકાશ રાયચંદાની, આર એન્ડ બી સ્ટેટના એન્જી. એમ.જી.પટેલ, પાલિકા પ્રમુખ અભિષેક મેડા, પૂર્વ પાલિકા પ્રમુખ અને મહિલા બોર્ડ સભ્ય સંયુક્તાબેન મોદી તેમજ કંપનીના અધિકારીઓ અને ICICI બેન્કના મેનેજર હાજર રહ્યા હતાં.