દાહોદ શહેરમાં ટૂંકા ગાળામાં ૧૦,૦૦૦ કુટુંબોને પાઇપ લાઇન દ્વારા ગેસ પૂરો પડાશે. હવે દાહોદ નગરની ગૃહિણી ઓને બાટલા નોંધવાની કે ગેસ પૂરો થવાની ઝંઝટ રહેશે નહીં. : જિલ્લા પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવા
ગુજરાત ગેસ કંપની લિ. અને જિલ્લા વહીવટી તંત્ર દાહોદ શહેરનાં ગોદી રોડ વિસ્તારમાં મહાવીર નગરમાં પાઇપ લાઇન દ્વારા ધરેલુ ગેસ પુરો પાડવાની યોજનાનું લોકાર્પણ ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોર અને રાજયના આદિજાતિ-વન મંત્રી ગણપતસિંહ વસાવાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે રીબીન કાપીને પાઇપ લાઇન દ્વારા ગેસ આપવાની યોજનાનો શુભારંભ કરતાં રાજ્યના આદિજાતિ વન, પ્રવાસન, મહિલા અને બાળ કલ્યાણ મંત્ર ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજયના પ્રયાસોથી દાહોદ શહેરમાં ગેસ પાઇપ લાઇન દ્વારા ગેસ પૂરો પાડવાની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાને દાહોદ સુધી લાવવા માટે ₹. ૨૫૦ કરોડના ખર્ચે ૭૦૦ કિ.મી.ની પાઇપ લાઇન દ્વારા કાર્યાન્વિત કરવામાં આવી છે. જેના થકી દાહોદની મહિલાઓને પોતાના કુંટુંબ માટે રસોઇ બનાવવા ગેસ બોટલ નોંધાવવા કે બોટલ જોડવાની મુશ્કેલી દૂર થશે. ઝડપથી રસોઇ બનાવી શકશે. દાહોદ શહેરમાં ૩૦ જેટલા પાઇપ લાઇનથી ગેસ જોડાણ અપાયા છે. દોઢેક વર્ષમાં ૧૦,૦૦૦ કુંટુંબોને પાઇપ લાઇનથી ગેસ જોડાણ આપવાની કામગીરી પૂર્ણ કરાશે એમ મંત્રી વસવાએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ધરેલુ ગેસ જોડાણનુ લોકાપર્ણ કરતા કેન્દ્રીય આદિજાતિ રાજયમંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શહેર અને ગ્રામ્ય કક્ષાની મહિલાઓની ચિંતા કરીને શહેરોમાં ગેસ પાઇપ લાઇન દ્વારા ગેસ પૂરો પાડવાની યોજના અને ગ્રામિણ ક્ષેત્રોમાં ઉજજવલ્લા યોજના દ્વારા મફત ગેસ બોટલ, સગડી સહિતનું જોડાણ આપવાની યોજના અમલિત કરી છે. પાઇપ લાઇન દ્વારા ગેસ જોડાણ થકી મહિલાઓને બાટલા નોંધવાની કે બાટલો ખૂટી જતા પડતી મુશ્કેલીઓ દૂર થશે. જયારે ગ્રામિણ ક્ષેત્રની મહિલાઓને પણ હવે ધુમાડાથી આંખો બગડવાનો કે ચુલો સળગાવવાની ઝંઝટ રહેશે નહીં. દેશમાં આવી ૫ કરોડ મહિલાઓ કુટુંબોને ઉજ્જવલા યોજના હેઠળ જોડાણો આપવામાં આવ્યાં છે. જિલ્લાનાં અન્ય શહેરોને પણ આ યોજના હેઠળ આવરી લેવાશે આ યોજના ૧ વર્ષ પહેલાં છાપરી ખાતે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. જે કેન્દ્ર અને રાજય સરકારના પ્રયત્નોથી ટુંકા ગાળામાં પૂર્ણ કરી દાહોદની મહિલાઓની મુશ્કેલીઓને દૂર કરવામાં આવી છે. ત્યારે દેશના વિકાસમાં સહિયારા પ્રયાસો હાથ ધરીએ તેવી મંત્રીશ્રીએ અપેક્ષા વ્યકત કરી હતી.
આ કાર્યક્રમમાં પાઇપ લાઇનથી ગેસ જોડાણ મેળવેલ મહાવીર નગરની ગૃહિણી સેજલબેન રાજેશભાઇ શાહ કહે છે. હવે મારે બોટલ નોંધાવવાની કે જોડવાની મુશ્કેલી દૂર થઇ જશે. જે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ખૂબ ખૂબ અભાર કે જેમને મહિલાઓની ચિંતા કરીને અવનવી યોજનાઓ મહિલાઓ માટે શરૂ કરી છે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન તથા સંચાલન ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઇ લાલપુરવાલાએ તથા આભાર વિધિ દાહોદ નગરપાલિકા પ્રમુખ અભિષેક મેડાએ કરી હતી, આ કાર્યક્રમમં રાજયના ગ્રામ વિકાસ, ગ્રામગૃહ નિર્માણ, ગૌસંવર્ધન અને પશુપાલન રાજયમંત્રી બચુભાઇ ખાબડ, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઇ લાલપુરવાલા, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, કલેકટર વિજય ખરાડી, પૂર્વ ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણી,ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, લખનભાઈ રાજગોર, પ્રીતિબેન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી રમેશચન્દ્ર પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, અગ્રણી નરેન્દ્રભાઇ સોની, દિપેશ લાલપુરવાલા, સામાજિક કાર્યકરો, ગુજરાત ગેસ કંપનીના અધિકારી, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા