- સપ્તાહમા 10 હજાર જેટલા ખેલાડીઓ 8 ખેલોમા રમશે.
- ઝળકેલી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરીશુ : જશવંતસિંહ ભાભોર
સમગ્ર દાહોદ સંસદીય મતવિસ્તારમાં તા. ૩૦ ડિસેમ્બર થી સાંસદ ખેલ સ્પર્ધાનો આરંભ થઈ રહ્યો છે. જેમાં ક્રિકેટ સહિત વિવિધ 9 રમતોમાં આશરે 10 હજાર ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દાહોદ જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારોમાં સાગમટે શરુઆત થઈ રહી છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી શરીર સૌષ્ઠવ અને રમત ગમતને પ્રાધાન્ય આપી રહ્યા છે. તેમાંયે યુવાનોને મહત્તમ પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેના ભાગ રુપે જ તેઓએ સાંસદ ખેલ સ્પર્ધાની શરુઆત કરાવી હતી. જેના ભાગ રુપે આ વર્ષે ત્રીજી સાંસદ ખેલ સ્પર્ધા થવા જઈ રહી છે. તા.૩૦ ડિસેમ્બર,શનિવારના રોજ દાહોદ સંસદીય વિસ્તારની તમામ 7 વિધાનસભા વિસ્તારોમાં સાંસદ ખેલ સ્પર્ધાનો આરંભ થઈ રહ્યો છે. સંતરામપુર વિધાનસભાનો ઉદ્ઘાટન સમારોહ ભેમાનંદ હાઈસ્કૂલમા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમા યોજાશે. દેવગઢ બારિઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમા રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ શુભારંભ કરાવશે. જયારે સાંસદ જશવંતસિંહ ભાભોર ગરબાડાના અભલોડમાં શ્રી પાંડુરંગ હાઈસ્કૂલમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર સાથે ખાસ ઉપસ્થિત રહેશે. ફતેપુરા ની આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલમા ધારાસભ્ય રમેશભાઈ કટારા, ઝાલોદના પાવડી એસઆરપી મેદાન પર ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, લીમખેડામા સીંગવડ જે.એલ.શેઠ હાઈસ્કૂલમા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, દાહોદમા ખરેડી એકલવ્ય સ્કુલમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ઉપસ્થિત રહેશે.
આ વખતે સાંસદ ખેલ સ્પર્ધામાં 8500 જેટલા ખેલાડીઓનું ઓનલાઈન,ઓફલાઈન રજિસ્ટ્રેશન થયુ છે.જેમાં ભાઈઓ અને બહેનો એથ્લેટિક્સ, કબડ્ડી, ખોખો, હોકી, વોલીબોલ, ફુટબોલ અને આરચરી રમતોનો સમાવેશ થાય છે. જ્યારે ક્રિકેટમાં આખાયે સંસદીય મતવિસ્તારમા મળીને 150 થી વધુ ટીમો નોંધાઈ ચૂકી છે. ઓન લાઇન રજીસ્ટ્રેશન ઉપરાંત ખેલાડીઓ ઓફ લાઇન પણ વિવિધ રમતોમાં ભાગ લેશે. તેમ સાંસદ કાર્યાલયના સૂત્રોએ જણાવ્યુ છે. આગામી તા. ૫ જાન્યુઆરીના રોજ દેવગઢ બારીઆમાં ક્રિકેટ અને વોલીબોલ સિવાયની રમતોનો સમાપન સમારોહ યોજાશે. જ્યારે ક્રિકેટ અને વોલીબોલની ફાઇનલ મેચો દાહોદ ના સીટી ગ્રાઉન્ડમા 7 જાન્યુઆરીના રોજ રમાશે. સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કે સાંસદ ખેલ સ્પર્ધામા જે પણ પ્રતિભાઓ ઝળકશે તેઓને પ્રોત્સાહિત કરી સ્ટેટ અને નેશનલ કક્ષા સુધી પહોંચડવા સાર્થક પ્રયત્નો કરવામા આવશે.
- વિધાનસભા વાર રજીસ્ટ્રેશન ની વિગત આ પ્રમાણે છે : સંતરામપુરમાં – ૧૮૨૭, ફતેપુરામાં – ૧૪૩૧, ઝાલોદમાં – ૮૮૬, લીમખેડામાં – ૧૦૦૪, દાહોદમાં – ૧૭૯૩, ગરબાડામાં – ૮૯૩ અને દેવગઢ બારીયામાં – ૬૫૦ ખેલાડીઓના રજીસ્ટ્રેશન થયેલ છે.
- આ વર્ષે સાંસદ ખેલ સ્પર્ધા ની સાથે સાથે સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન પણ કરવામા આવ્યુ છે. જેમા વિવિધ યુવા કલાકારો જુદી જુદી સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ભાગ લેશે. સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનો સમગ્ર લોકસભા વિસ્તારનો કાર્યક્રમ તા. 6 જાન્યુઆરીના રોજ સરદાર પટેલ ઈન્ડોર સ્ટેડિયમ, સીટી ગ્રાઉન્ડમા યોજાશે.