- સ્માર્ટ સીટી માટે બે તબક્કામાં થનાર કામો સંદર્ભે મુદિત વિજાણું માધ્યમના પ્રતિનિધિઓ સાથે જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.
કેન્દ્ર સરકાર દ્વારા દેશની એક માત્ર નગરપાલિકા દાહોદને સ્માર્ટ સીટી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સ્માર્ટ સીટીના I.C.C.C. (ઇન્ટ્રીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ના જિલ્લા સેવા સદન સંકુલ ખાતે અધતન ટેકનોલોજી સાથેનું અંદાજીત ₹.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભવનનું ખાતમુહૂર્ત ભારત સરકારના આદિજાતિ વિકાસ બાબતોના રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે અને રાજ્યના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન રાજય મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતમાં કરવામાં આવ્યુ હતું.
શાસ્ત્રોક્ત વિધિ સાથે નિર્માણ પામનાર નવિન ભવનનું ખાત મુર્હૂત કરતા અને જિલ્લા સેવા સદન ભોંયતળીયે નવિન સ્માર્ટ સીટીના કાર્યાલયને રીબીન કાપી ખુલ્લુ મૂકતાં કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે ત્રણ રાજ્યોની સરહદે આવેલા જિલ્લા અને દાહોદના સર્વાંગી વિકાસ માટે તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો દ્રઢ નિર્ધાર છે. સ્માર્ટ સીટી માટે ₹.૧૦૦૦ કરોડનું માતબર ફંડ મંજુર થયુ છે. ત્યારે સ્માર્ટ સીટી દાહોદના નિર્માણ માટે સહિયારા પ્રયાસો કરીએ. બાહુલ્ય આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો છે ત્યારે સ્માર્ટ સીટીમાં આદિવાસી સંસ્કૃતિનું અધતન મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. જિલ્લામાં એરપોર્ટ બનાવવા માટેના આયોજન, FM રેડિયોનું વેપારી અને છેવાડાની પ્રજાને લાભ મળે તે માટે પ્રસારણ વધારવાનું આયોજન, F.C.I. ગોડાઉન બનાવવાનું આયોજન વગેરેની જાણકારી આપવા સાથે જિલ્લામાં થયેલ વિકાસની વિગતો પૂરી પાડી હતી. સ્માર્ટ સીટી સાથે રોજગારીની તકો પણ વધશે તેમ કેન્દ્રીય રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા સમાહર્તા વિજય ખરાડીએ સ્માર્ટ સીટી માટેની સંપૂર્ણ વિગતો પૂરી પાડતા જણાવ્યું હતું કે સ્માર્ટ સિટીના પ્રથમ તબક્કમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન અપાશે. નગરમાં સ્વચ્છતાના ભાગરૂપે કચરાના અને ગટરના કચરાના નિકાલ માટે સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ હાથ ધરાશે. નગરજનોને પીવાનું શુધ્ધ પાણી મળે તે માટે નવી પાઈપ લાઈન સાથેની યોજનાનું આયોજન, વરસાદી પાણી સંગ્રહ માટે, નગરની આગવી ઓળખ સમા ઐતિહાસિક છાબ તળાવની સુંદરતા સાથે અધતન કામગીરી હાથ ધરાશે. નગરમાં વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જવા માટે સીટી બસના આયોજન સહિત નગરની ટ્રાફિક સમસ્યા, મુખ્ય પોઈન્ટો પર CCTV કેમેરાથી સજ્જ કરાશે. સ્માર્ટ સીટી માટે બે તબ્બકામાં થનાર વિવિધ કામગીરીની કલેક્ટરએ વિગતો પૂરી પાડી હતી.
આ પ્રસંગે દાહોદ સ્માર્ટ સીટી ડેવલપમેનટ હનીવેલ ઓટોમેશન ઇન્ડિયા પ્રા.લી.ના અધિકારી જીગરભાઈએ સ્માર્ટ સીટી પ્રથમ તબક્કામાં ડેટા સેન્ટર, સ્માર્ટ ડીઝાસ્ટર, સીટી વાઈડ O.F.C., સીટી વાઈડ Wi-Fi નેટવર્ક, સીટી સ્રર્વેલન્સ સેન્ટર, સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ સેન્ટર, સ્માર્ટ વેસ્ટ મેનજમેન્ટ, સીટીઝન કનેક્ટર એપ્લીકેશન સહિત બે તબ્બકામાં થનાર કામોની વિગતો પૂરી પાડી હતી. સ્માર્ટ સીટીમાં બે તબક્કામાં થનાર કામો સંદર્ભે દાહોદના મુદિત-વિજાણું માધ્યમના પ્રતિનિધિઓ સાથે જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલ, નિવાસી અધિક કલેકટર એમ.જે.દવે, નગર પાલિકા પ્રમુખ અભિષેકભાઈ મેડા, નગરપાલિકા કાઉન્સીલરો, નગરના અગ્રણીઓ, નગરજનો તથા સ્ટાફગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.