- મંત્રી બચુભાઈ ખાબડ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રૂ. ૧૦૫ લાખના ખર્ચે બનેલ કાલીયાવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું.
- રાજ્યના તમામ નાગરિકો સુધી આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે – મંત્રી બચુભાઈ ખાબડ
દાહોદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાલીયાવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું, નવનિર્મિત મકાનનું લોકાર્પણ રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને યોજાયો.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડ જણાવ્યું હતું કે , રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ અંતર્ગત ૧૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે માટે દરેક વ્યક્તિએ આયુષ્યમાન કાર્ડ કઢાવી લાભ લેવો જોઈએ. કેન્સર જેવી મોટી બીમારીઓનું આયુષ્યમાન કાર્ડ દ્વારા મફત સારવાર કરવામાં આવે છે. ૧૦૫.૦૦ લાખના ખર્ચે બનેલ કાલીયાવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો લાભ ઉંડાર, ઉમરીયા, કણઝર, ડોલરીયા, કાલીયાવડ, બોર, બુધપુર, સુરપુર, મહુનાળા, માંડવ સહિત ૧૦ ગામના ૨૫૦૦૦ હજાર જેટલા લોકોને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓનો લાભ મળશે.
વધુમાં મંત્રીશ્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કાલીયાવડ શરૂ થતા હવે ઘરઆંગણે જ પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. રાજ્યના તમામ નાગરિકો સુધી આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે રાજ્યમાં મજબૂત આરોગ્ય માળખું વિકસિત થયું છે. આયુષ્માન ભારત યોજનાથી ગંભીર બીમારીઓની સારવાર મેળવી રહેલા લાખો જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનો પરનું આર્થિક સંકટ ટળ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોરે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં ૯૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર થકી છેવાડાના માનવી સુધી પ્રાથમિક આરોગ્ય સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. કાલીયાવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુ ગામના લોકોને આરોગ્યની પ્રાથમિક સુવિધા પ્રાપ્ત થશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવતએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે, જિલ્લા પંચાયતના સભ્યઓ, તાલુકા પંચાતના સભ્યઓ, ગામના સરપંચ સહિત આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલ ડોક્ટર મિત્રો અને સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.