ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજી શહેરમાં નગરપાલિકા રોડ-રસ્તા, સફાઈ જેવા લોકોના પાયાના પ્રશ્ર્નો ન સંતોષી શકતા શહેરના વોર્ડ નંબર-12 ના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમને લઈને રોષે ભરાયેલ મહિલાઓએ શહેરના જૂનાગઢ રોડને ચક્કાજામ કર્યો હતો. બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને મહિલાઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. બાદમાં મહિલાઓ સાથે આ વિસ્તારના લોકો નગરપાલિકા કચેરી ખાતે દોડી જઈને મહિલાઓએ હલ્લાબોલ કર્યુ હતું. ત્યાર બાદ નગરપાલિકા હાય હાયના નારાઓ મહિલાઓએ લગાવ્યા હતાં. આ સાથે જ પાલિકા સત્તાધીશોને રોડ-રસ્તા, ગંદકી સહિતના પ્રશ્ને આવેદનપત્ર પાઠવ્યું હતું. લોકોનું ટોળું ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે દોડી ગયું હતું. ત્યાં પણ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી.
ધોરાજીમાં બે-ત્રણ વર્ષોથી ચાલેલ ભૂગર્ભ કામગીરીને લઈને રોડ-રસ્તા પર લોકોને ચાલવું મુસીબત ભર્યુ બન્યું છે. શહેરીજનોને વારંવાર આંદોલનનો માર્ગ અપનાવવો પડતો હોવા છતાં પણ તંત્ર દ્વારા લોકોની માંગ સંતોષવામાં આવતી નથી. તો બીજી તરફ ચોમાસા પહેલા લોકોએ અનેક વખત રોડ-રસ્તાની માંગ સાથે આંદોલનનો કર્યા હોવા છતાં પણ પાલિકા સત્તાધીશોએ કોઈ રોડ-રસ્તાની લોક સુખાકારીની જોઈએ તેવી કામગીરી કરી ન હતી. તેમ છતાં નગરપાલિકા પ્રમુખ લોકોના પાયાના પ્રશ્ને આયોજન કર્યું હોવાનો શૂર વ્યક્ત કરીને ચાંચુડી ઘડાવું છું કાલ સવારે આવું છું નો શૂર વ્યક્ત કરી રહ્યાં.
ધોરાજીની જનતાને નગરપાલિકા સતાધીશો રોડ-રસ્તા, સફાઈને લઈને વારંવાર લૂખ્ખા આશ્વાસનો આપી રહ્યાં છે. ત્યારે લોકોના પ્રશ્નન ક્યારે સંતોષાશે તે જોવાનું રહ્યું.