હવે પૂર્ણ રીતે તાલુકાનો સર્વાંગી વિકાસ થશે. ઉંડાણના ગામોના સર્વાંગી વિકાસ માટે આ વિકાસ મંદિરમાં ફરજ બજાવતા કર્મયોગીઓએ સંવેદના સાથે કામ કરવું પડશે : કેન્દ્રીય આદિજાતિ મંત્રી જશવંતસિંહ ભાભોર
દાહોદ જિલ્લાના નવરચિત શીંગવડ તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ ભારત સરકારના આદિજાતી બાબતોના રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે ઔધોગિક તાલીમ સંસ્થા, શીંગવડ ખાતે રીબન કાપીને શરૂ કરવામાં આવ્યો હતો.
દીપ પ્રાગટ્ય સાથે વિધિવત રીતે તાલુકાના વિકાસ માટે મહત્વની કચેરી ગણાતી તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરતાં કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે તાલુકાના ગરીબ આદિવાસી લોકોને પોતાના યોજનાકીય કામો માટે કે ગામોના વિકાસકીય કામો માટે ઠેઠ લીમખેડા ખાતે જવું પડતું હતું. તે કામો હવે સ્થાનિક કક્ષાએ જ થશે. કામો માટે ધક્કા ખાવા કે સમયનો વેડફાટ થશે નહીં. હવે તાલુકાનો પૂર્ણ રીતે ઝડપભેર વિકાસ થશે. આ સરકારમાં પારદર્શક વહીવટ સાથે વચેટીયાઓને કોઇ અવકાશ રહ્યો નથી. ગરીબ આદિવાસી લોકો, પરિવારો અને ઉંડાણના ગામોના સર્વાંગી વિકાસ માટે પૂરતા મહેકમ સાથેના આ વિકાસ મંદિરમાં ફરજ બજાવતા કર્મયોગીઓએ સંવેદના સાથે કામ કરવું પડશે તેવી મંત્રી જશવંતસિંહ ભાભોરે ટકોર કરતાં આપેક્ષા વ્યક્ત કરી હતી. શીંગવડ તાલુકો શિક્ષણ અને વેપાર માટેનું હબ બને તે માટે સહિયારા પ્રયાસો હાથ ધરવા મંત્રીએ આહ્વાન કર્યુ હતું. પૂ. મહાત્મા ગાંધીજીએ, પંડિત દિન દયાળ ઉપાધ્યાયે ગ્રામોત્થાન માટે અને નયા ભારત માટે જોયેલા સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તેમ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એન.વી.ઉપાધ્યાયે તાલુકા પંચાયત કચેરી સ્થાનિક કક્ષાએ શરૂ થતાં હવે તાલુકાનો અને છેવાડાના લોકોનો ઝડપભેર વિકાસ થશે. દેશના વડા પ્રધાનએ દરેકને પાકુ મકાન મળે તે માટે પ્રધાન મંત્રી આવાસ યોજના અમલિત કરી છે. ત્યારે મંજુર થયેલા આવાસો ઝડપભેર પૂર્ણ કરે તો અન્ય લાભાર્થીઓને પણ તેનો લાભ મળશે. મનરેગા યોજના હેઠળ શરૂ થયેલ કામો મારફત લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહેશે. સ્થળાંતર કરવું પડશે નહીં.
આ પ્રસંગે તલાટી મંડળના પ્રમુખ સાલમસિંહ બારીયાએ તાલુકાના વિકાસમાં સરકારનું આ સ્તુત્ય પગલું ખૂબજ આર્શિવાદરૂપ સાબિત થશે. તેમ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું. તેમને તાલુકાના વિકાસ માટે સૌ સહિયારા પ્રયાસો હાથ ધરીએ તેમ જણાવતાં તાલુકાની રૂપરેખા પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, લીમખેડા તાલુકા પંચાયત પ્રમુખ વજેસિંહ પલાસ, પ્રાંત અધિકારી ડી.જી.વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આઇ.એ.ભાથીજી, મામલતદાર આર.વી.તડવી, તાલુકા વિકાસ અધિકારી સીકલીગર, જિલ્લા તાલુકાના સદસ્યો, અધિકારીઓ/પદાધિકારીઓ, સરપંચો, સ્ટાફગણ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.