ગત તા.૨૯/૦૧/૨૦૨૦ ને બુધવારના રોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાટુંના જંગલમાં લાકડાં વીણવા માટે ગયેલી ગરબાડા તાલુકાના ખજુરિયા ગામની બાર વર્ષીય તરૂણીને ત્યાં ઝાડીઓમાં સંતાઈને બેઠેલા દીપડાએ ફાડી ખાતા બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના બનતા વન વિભાગ દ્વારા ૩૦ કર્મીની ટીમ બનાવી જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
ગત રોજ જે સ્થળે ઘટના બની છે તે સ્થળથી નજીકમાં આવેલા ગામોમાં દીપડો અન્ય કોઈ વ્યક્તિ ઉપર હિંસક હુમલો ન કરે કે કોઈને નુકશાન ન પહોંચાડે તે હેતુથી નાયબ વન સંરક્ષક, બારીયા વન વિભાગની સૂચના અન્વયે વન વિભાગની ૩૦ કર્મચારીઓની ટીમ બનાવી ગત રોજ જે સ્થળે ઘટના બની છે તેની નજીકમાં આવેલા ગામોમાં જન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે અને લોકોને જંગલ ભાગમાં ન જવા, નાના બાળકોને એકલા ન મૂકવા, ખુલ્લામાં કુદરતી હાજતે ન જવા તથા વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવે તો બચવા માટે શું તકેદારી રાખવી તે બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.