આર્ચરી રમતમાં મહારાષ્ટ્ર સામે રાઉન્ડ વુમન ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવીને દાહોદ અને પંચમહાલ સહિત રાજ્યનું ગૌરવ વધાર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૬ ઓકટોબર ૨૦૨૩ના રોજ ગોવામાં ૩૭મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગોવાના મડગાવ ખાતે ૨૬ ઓક્ટોબરથી ૯ નવેમ્બર સુધી ચાલનારા આ રમત મહાકુંભમાં દેશના ૧૦ હજારથી વધુ ખેલાડીઓ અલગ અલગ રમતમાં ભાગ લઈ રહ્યા છે.
ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લાની અમિતા રાઠવા, ભાનુમતી બારીયા અને લસ્સી રાઠવાએ આર્ચરી રમત રાઉન્ડ વુમન ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવીને ગુજરાત સહિત પંચમહાલ અને દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ તકે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર સહિત વહીવટી તંત્ર દ્વારા અમિતા રાઠવા અને તેમના કોચને અભિનંદન પાઠવ્યા છે. આર્ચરી રમત રાઉન્ડ વુમન ટીમમાં અમિતા રાઠવા,ભાનુમતી બારીયા અને લસ્સી રાઠવા દ્વારા મહારાષ્ટ્રની ટીમને ૫:૩ થી હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેકટરશ્રી આર.એસ.નિનામા સહિત ગુજરાતના અધિકારીશ્રીઓ દ્વારા ટીમને અભિનંદન પાઠવ્યા છે.
પંચમહાલની અમિતા રાઠવાએ શરૂઆતમાં આશ્રમ શાળા, ઘોઘંબા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ C.E.O યોજના હેઠળ તાલીમ મેળવી છે. ગોધરા જિલ્લા રમત વિકાસ અધિકારી અને આર્ચરી કોચ પ્રતાપ પસાયાએ આર્ચરી ખેલાડી અમિતા રાઠવાને કોચ તરીકે તથા આશ્રમ શાળાના આચાર્ય મીનાભાઈ કોલચાએ માર્ગદર્શન આપ્યું છે. જ્યારે દાહોદના દેવગઢ બારીયાથી ડી.એલ.એસ.એસ સ્પોર્ટ્સ શાળા ખાતે ભાનુમતી બારીયા અને લસ્સી રાઠવાએ તાલીમ મેળવી છે.