જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકીઓ દ્વારા હિન્દુ પર્યટકોની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે તેમજ પશ્ચિમ બંગાળમાં પણ હિન્દુ સમાજ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. જેના વિરોધમાં ફતેપુરા સનાતન હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે ફતેપુરા નગરના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વંભૂ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો.
ફતેપુરા નગરમાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આપેલા બંધના એલાનને ફતેપુરા નગરના વેપારીઓએ આવકારીને પોતાના ધંધા રોજગાર સવારથી જ સંપૂર્ણ બંધ રાખીને મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ દૂધ શાકભાજી અને મેડિકલ જેવી અવશ્યક સેવાઓ ચાલુ રાખી તે સિવાય તમામ દુકાનો, ઓફિસો બંધ જોવા મળી હતી. ફતેપુરા ખાતે 28 મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ અપાય તે હેતુથી 28 હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વધુમાં સવારે 10:00 કલાકે રામજી મંદિરથી જનઆક્રોશ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ જનઆક્રોશ રેલીમા ફતેપુરા નગરના સનાતન હિંદુ ભાઈઓ, બહેનો તેમજ મોટી સંખ્યામાં વડીલો જોડાઈને હાથમાં બેનરો લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી આક્રોશ વ્યક્ત કર્યો હતો આંતકીઓને પકડીને આતંકીના આકાઓ સુધી પહોંચી આંતકીઓના આકાઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને ફરી આવો હિન કૃત્ય કરવા માટે સો વખત વિચારે તેવો દાખલો બેસાડવામાં આવે તેવી માંગ સનાતન હિંદુ સમાજ દ્વારા કરવામાં આવી હતી.