પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે સફળ ખેડૂતશ્રી મંગળભાઇ ડામોરએ વિસ્તારપૂર્વક જાણકારી આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો
દાહોદ જિલ્લામાં છેવાડાના ગામોના ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિષે સમજતા થાય તેમજ પ્રાકૃતિક ખેતીને અપનાવવા પહેલ કરે તે હેતુથી ખેતીવાડી, બાગાયત વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયત્નોથી જિલ્લાભરમાં મોટાભાગના ગામડાઓમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિને સમજાવવા, માર્ગદર્શન આપવા તેમજ પ્રાયોગિક રીતે સમજાવવાના સફળ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ઉપક્રમે દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના રળીયાતી ગામના વતની મંગળભાઇ ડામોર પ્રાકૃતિક ખેતી પદ્ધતિ થકી પોતાના ફાર્મ ખાતે અનેકવિધ શાકભાજી સહિત કશ્મીરી તેમજ એપલ બોરની ખેતી કરીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે.
પ્રગતિશીલ ખેડૂત મંગળભાઇ ડામોર દ્વારા બાગાયતી ફળ-પાકોની બાગાયતી ખેતી વિષે વિસ્તૃત માર્ગદર્શન મેળવવા માટે અન્ય ગામોમાંથી ખેડુત ભાઇઓ અને બહેનોએ મુલાકાત લીધી હતી. જે દરમ્યાન પ્રગતિશીલ ખેડૂત મંગળભાઇ ડામોરએ આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી અને મોડેલ ફાર્મ બનાવવા માટે જે પ્રકારની આર્થિક અને સાધનિક સહાય આપવામા આવે છે તે અંગેની તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.