પ્રધાનમંત્રી યોજનાના લાભાર્થીઓને કળશ સહિત ચાવી અર્પણ કરાઈ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાકક્ષાનો ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે વડોદરા ખાતે વિવિધ વિભાગના પ્રકલ્પના શુભારંભ ખાતમુહૂર્ત લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જે સંદર્ભે દાહોદ ખાતે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા, દેવગઢબારિયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર, કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો લાભાર્થીઓ અને વહીવટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલાએ કેન્દ્ર સરકારે આઠ વર્ષ દરમિયાન કરેલા વિકાસ કામોની માહિતી આપી હતી. કોરોના કાળમાં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. ત્યારબાદ ગુજરાત સરકાર અને વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા એ પ્રધાનમંત્રી આવાસ સ્વચ્છતા અભિયાન મનરેગા યોજના મિશન મંગલમ યોજના વિષય વિસ્તૃત માહિતી આપી હતી. દાહોદ જિલ્લામાં વિકાસ વેગવંતો બનાવવા કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. અગાઉનાં વર્ષો કરતાં નરેન્દ્ર મોદીની સરકારમાં સૌથી વધુ વિકાસ કામો થયા છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને સૌથી વધુ સફળતા પ્રાપ્ત થઇ છે. વધુ પ્રમાણમાં લોકોમાં જાગૃતિ આવી છે. શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય પ્રજાને ઘરના ઘર મળ્યા છે. દાહોદ જિલ્લામાં વહિવટી તંત્ર અને તમામ કર્મચારીઓ જિલ્લાને વિકાસની હરણફાળમાં લઈ જવામાં સૌથી વધુ મહત્વનો ફાળો ભજવી રહ્યા છે. સાક્ષાત એવા માતાજીના મંદિર પાવાગઢ ધામમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ધજા લહેરાવીને ઐતિહાસિક ઘટના બનાવી છે. ૫૦૦ વર્ષથી પણ વધુના સમય બાદ પાવાગઢ ધામ પર ધજા લહેરાઈ રહી છે. લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી અને ત્યારબાદ વડોદરા ખાતે ઉપસ્થિત પ્રધાનમંત્રીના કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો.