પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરએ જનપ્રતિનિધિ અને પ્રજા દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઉકેલ લાવવા તેમજ જનપ્રતિનિધિઓના પરામર્શમાં રહીને યોગ્ય જવાબ મળે, તેમના સૂચનોને ધ્યાને લેવા જણાવ્યું.
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોર, કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ધારાસભ્ય રમેશભાઈ કટારા, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની ઉપસ્થિતિ હેઠળ આયોજન મંડળની બેઠક યોજવામાં આવી હતી.
આ દરમ્યાન જીલ્લા આયોજન અધિકારી બી.એમ.પટેલ દ્વારા દાહોદ જીલ્લાના તાલુકાવાર ભૌતિક અને નાણાકીય કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૨૪ – ૨૦૨૫ ની જિલ્લા આયોજન મંડળની બેઠકની કાર્યવાહી નોંધ પર મળેલ મંજુરીને બહાલ રાખવા બાબત, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવેકાધીન સામાન્ય ટી.એ.એસ.પી, ખાસ અંગભૂત, પ્રોત્સાહક જોગવાઈ તથા નગરપાલિકા જોગવાઈ અંતર્ગત વર્ષ:૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ સુધીમાં મંજુર થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
એ સાથે વર્ષ ૨૦૨૫-૨૬ મા મળવાપાત્ર રકમની સામે તાલુકા આયોજન સમિતિઓ તથા જિલ્લાના અમલીકરણો તથા પદાધિકારીઓ તરફથી આવેલ નવીન કામોનું આયોજન મંજુર કરવા બાબત, નગરપાલીકા જોગવાઈ સામે વર્ષ ૨૦૨૫-૨૬ ના વર્ષમાં મળનાર રકમ, નગરપાલિકાઓ તરફથી આવેલ નવીન કામોનું આયોજન મંજુર કરવા બાબત જેવી મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જનપ્રતિનિધિ અને પ્રજા દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઉકેલ લાવવા તેમજ જનપ્રતિનિધિઓના પરામર્શમાં રહીને યોગ્ય જવાબ મળે તેમજ તેમના સૂચનોને ગંભીરતાથી ધ્યાને લઈને કામગીરી કરવા જણાવ્યું હતું. વિકાસના કામો નિયમ ગાઈડ લાઈન મુજબ, સમયસર અને એકબીજા વિભાગોના આંતરિક સંકલનમાં રહીને પ્રજાના પ્રશ્નોને ઝડપી વાચા આપી જન સુખાકારીના કામો કરવા અનુરોધ કર્યો હતો.
આ નિમિતે નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક અને જીલ્લા આયોજન અધિકારી બી.એમ.પટેલ, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.