SPECIAL REPORT BY PRIYANK CHUAHAN – GARBADA
પ્લે ગ્રુપથી માંડી જુનિયર-સિનિયર કેજીના નામે નાના કુમળા બાળકોના માથે શિક્ષણનો ભાર મુકી શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે ત્યારે પ્લે ગ્રુપ, નર્સરીને સરકારી તંત્રની મંજૂરી છે કે કેમ તથા આની દેખરેખ રાખવા માટે જિલ્લા કક્ષાએ કોઈ સક્ષમ અધિકારી પણ નિમાયા છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે.
સરકારની ઢીલી નીતિના કારણે પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર-સિનિયર કેજીનું શિક્ષણ પ્રતિ વર્ષ ખુબજ મોંઘું બની રહ્યું છે તેમ છતાં પણ આવી શૈક્ષણીક શાળાઓ ધમધમી રહી છે અને તેના ઉપર સરકારી વહીવટી તંત્રની કોઈ લગામ હોય તેમ લાગતું નથી.
ખાનગી ઇંગ્લિશ મીડિયમની શાળાઓ કીડિયારાની જેમ ઉભરાઇ રહી છે અને દરવર્ષે નવીનવી શાળાઓ શરૂ થતી હોય છે ત્યારે આવી શાળાઓનો ગ્રાફ ફક્ત તગડી ફી વસૂલવામાં જ ઊંચો જતો હોય છે. પ્લે ગ્રુપથી માંડી જુનિયર-સિનિયર કેજી ના નામે માસૂમ કુમળા બાળકો દીઠ હજારો રૂપિયાનું ડોનેશન તેમજ માસિક ફી પેટે તગડી રકમ અલગથી વસૂલ કરવામાં આવતી હોય છે તેમ છતાં આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો પણ હોતા નથી.
શિક્ષણના નીતિનિયમોને નેવે મુકીને ચાલતી આવી પ્લે ગ્રુપથી માંડી જુનિયર-સિનિયર કેજીમાં પ્રવેશ મેળવતા બાળકો જાણે એંજીનિયરિંગ, ડૉક્ટરી લાઇનમાં પ્રવેશ મેળવી રહ્યા હોય તેમ તેવી તગડી ફી વાલીઓ પણ ચૂકવી રહ્યા છે જેનો ખર્ચ ગ્રેજયુએશન કરતાં પણ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે આવી શિક્ષણની દુકાનો ચલાવનારા સંચાલકો આનો ભરપુર લાભ ખાટતા હોય છે અને તેમને કાયદાનું કોઈ ગ્રહણ નડતું નથી કે કોઈપણ જાતનો તેમને ડર નથી ત્યારે હવે વાલીઓએ જાગૃત થવાની જરૂર છે.
કુમળી વયના બાળકો શાળામાંથી ગુમ થઈ જાય તો તેઓ તેમના માતાપિતાનું નામ કે સરનામું પણ બોલી શકતા નથી, ત્યારે આવા બાળકોની સુરક્ષા સામે પણ સવાલ. બે થી અઢી વર્ષના બાળકોને પ્લે ગ્રુપ, જુનિયર-સિનિયર કેજીના નામે પ્રવેશ અપાય છે ત્યારે આવા કુમળા બાળકોની સુરક્ષા સામે પણ સવાલ ઊભા થાય છે. જો આવા બાળકો શાળામાંથી ગુમ થઈ જાય તો તેઓ તેમના માતાપિતાનું નામ કે તેમનું સરનામું પણ બોલી શકે તેમ હોતા નથી ત્યારે તેમને તેમના પરિવારના હુફની જરૂર હોય છે ત્યારે આવા સમયે બાળકોના અપહરણ, ગુમ થવાની કે તેમની સાથે કોઈ અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ ? |