- અરવલ્લી જિલ્લાના મોટા રામપુરા ગામેથી મારુતિ ઈકો લઈ મજૂરો લેવા ત્રણ લોકો ફતેપુરા તાલુકામાં આવ્યા હતા.
- એક વ્યક્તિનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિઓને હાથે, પગે અને શરીરે નાની-મોટી ઇજાઓ થતા 108 બોલાવી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા પાસે આવેલ મોટા રામપુરા ગામના ત્રણ લોકો ફતેપુરા તાલુકાના ગામડામાં મજૂરો લેવા માટે આવ્યા હતા. તે દરમિયાન આજે તા.૧૭/૦૯/૨૦૨૨ ને શનિવારના રોજ ફતેપુરા તાલુકાના સુખસર થી નાની ઢઢેલી થઈ ફતેપુરા જતા માર્ગ પર ચારેક વાગ્યાના અરસામાં ભીટોડી ગામે મારુતિ ઇકો 4 વ્હીલર પલ્ટી ખાઇ ગઇ હતી. અચાનક મારુતિ ઇકો પલ્ટી જતા ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજવા પામેલ છે. જ્યારે બે વ્યક્તિઓને હાથે પગે શરીરે ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં લાવી સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રીફર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જ્યારે મૃતકની લાશનો કબજો સુખસર પોલીસે મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. તેમજ અકસ્માતનો ભોગ બનેલાના પરિવારજનો સુખસર આવવા નીકળી ગયા હોવાનું પણ જાણવા મળે છે.