દાહોદ જિલ્લાના ફતેપુરા વહીવટી તંત્રની ટીમ, PSI, પોલીસ સ્ટાફ, TDO તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફતેપુરા બજારમાં માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે પૈકી બજારમાંથી ₹.૧૨,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો હતો. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો કોરોનાથી ડર્યા વગર ભાન ભૂલીને બજારમાં ફરતા અને ખરીદી કરી રહ્યા છે ત્યારે કોરોના થી સતત સાવચેતી અને જાગૃતિ લાવવા માટે આજે તા.૦૬/૧૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ ફતેપુરા નગરમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેસ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે ત્યારે આજ રોજ ફતેપુરા નગરમાં કોરોનાથી સાવચેતી રાખવા મામલતદાર પી.એન.પરમાર, તાલુકા વિકાસ અધિકારી પી.એસ. આંમલીયાર, આરોગ્ય વિભાગ તેમજ પોલીસ સ્ટાફને સાથે રાખી ફતેપુરા નગરમાં અચાનક ચેકિંગ કરતા માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ પાસેથી ભારે દંડ વસૂલવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા અચાનક તપાસ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. તો કેટલીક જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સ વગર, તો કેટલીક જગ્યાએ માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ જોવા મળ્યા હતા. તેવા વેપારીઓ પાસે સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો હતો. કેટલાક વેપારીઓએ ફટાફટ પોતાના મોઢા પર માસ્ક બાંધી દીધા હતા અને જ્યાં સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળ્યો તેઓને સરકારી ગાઈડ લાઈનનો ભંગ કર્યો તેવા વેપારીઓને આકરો દંડ કરવામાં આવ્યો હતો.
હાલ દાહોદ જિલ્લા અને તેમાં પણ ફતેપુરા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી કોરોના પર કાબુ મેળવેલ છે ત્યારે ફરી કોરોના થી કોઈ અસરગ્રસ્ત ન થાય તે માટે સરકારના નિયમોનો ચુસ્તપણે પાલન થાય તે માટે આજે વહીવટી તંત્ર દ્વારા બજારમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી અને દંડ ફટકારી વેપારીઓને તંત્ર દ્વારા સચેત કરવામાં આવ્યા હતા કે સરકારી ગાઈડલાઇનનું પાલન કરો, કરાવો અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણપણે ધ્યાન રાખો.