દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા તથા સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જી.આર.ડી ના જવાનોને પાંચ માસથી પગાર મળેલ નથી. રાત્રિના સમયે પ્રજાના જાન, માલ, મિલકતનું રક્ષણ કરતા આ GRD ના જવાનો પોતાને મળતા માનદ્ વેતન પાંચ માસથી ન મળતા જીવનનિર્વાહમાં મુશ્કેલી પડી છે. જેથી જે મળવાપાત્ર માનદ્ વેતન છે તે વહેલી તકે ચૂકવી આપવામાં આવે તેવી GRD જવાનોમાં માંગ ઉઠવા પામી છે.
ફતેપુરા તાલુકાના ફતેપુરા તથા સુખસર પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા જી.આર.ડી ના જવાનો મોટા ભાગે શ્રમિક પરિવારો માંથી આવે છે. અને તેઓ દિવસે ખેતી કામ કે છૂટક મજૂરી ધંધો કરી રાત્રિના સમયે GRD (ગ્રામ રક્ષક દળ) તરીકે ફરજ બજવવા આવતા હોય છે. એક લાકડીના સહારે અને જીવના જોખમે પ્રજાના જાન, માલ, મિલકતનું રક્ષણ કરતા હોય છે. જો કે જ્યાં જ્યાં GRD / હોમગાર્ડના જવાનો ફરજ બજાવતા હોય ત્યાં પોલીસનો માણસ પણ હાજર હોવો જોઈએ છતાં આ પોઇન્ટ ઉપર કોઈ પોલીસ હાજર નહીં રહેતા માત્ર હોમગાર્ડ તથા GRD ના જવાનો પોઇન્ટ સંભાળી લેતા હોય છે. તેમ છતાં આ જવાનોને મળવાપાત્ર માનદ વેતન ચૂકવવામાં મહિનાઓ વિતાવવામાં આવે છે ત્યારે આ જવાનોને ઘરનું તંત્ર કઈ રીતે ચલાવવું તેવો યક્ષ પ્રશ્ન ઉભો થાય છે. અને તેવી જ રીતે હાલ છેલ્લા પાંચ માસથી તેઓને માનદ વેતન નહીં ચુકવાતા મોટી મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. જો કે મોટા ભાગના આ જવાનો ખેતી સાથે સંકળાયેલા છે. અને તેઓને ખેતીમાં વાવેતરના સમયે બિયારણ, ખાતર વિગેરે લાવવા માટે જ્યારે રક્ષાબંધન જેવા તહેવારોમાં નાણાની જરૂરત પડતી હોય છે. તેમ છતાં ચાલુ વર્ષે છેલ્લા પાંચ માસથી આ GRD ના જવાનોને વેતન નહીં ચૂકવતા હાલ આ જવાનો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે જી.આર.ડી ના જવાનોને વહેલી તકે મળવા પાત્ર વેતન ચૂકવી આપવામાં આવે તેવી ફતેપુરા તથા સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજબજાવતા GRD જવાનોની માંગ અને વિનંતી છે