- તા.૦૮/૦૫/૨૦૨૨ ના રોજ લગ્ન પ્રસંગમાંથી રાત્રિના સમયે પરત ઘરે આવી સૂતેલા યુવાનની લાશ નજીકમાં આવેલ કૂવામાંથી મળી આવી.
- પરિવારમાં લગ્ન પ્રસંગની જગ્યાએ છવાયો માતમ.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કુવાઓમાંથી શંકાસ્પદ હાલતમાં લાશો મળી આવવાના બનાવોનો સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે. અને આવી રીતે મળી આવેલી લાશો ના બનાવો દિવસે ને દિવસે વધતા જ જાય છે અને તેવો જ વધુ એક બનાવ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના એક 22 વર્ષીય આશાસ્પદ યુવાનની લાશ નજીકના કૂવામાંથી મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના માતા ફળિયા ખાતે રહેતા અર્જુનભાઈ હુમાભાઈ પારગી ઉંમર વર્ષ 22 નાઓ તા.૦૮/૦૫/૨૦૨૨ ના રોજ પરિવારમાં લગ્ન પ્રસંગ હોઈ રાત્રીના બે વાગ્યા સુધી લગ્ન પ્રસંગમાં હાજર હતા. ત્યારબાદ તેઓ ઘરે આવી ઘરના આંગણામાં ઊંઘી ગયા હતા. જ્યારે બીજા દિવસે સવારે ઘરના સભ્યોએ જાગી જોતા અર્જુનભાઈ પારગી ખાટલામાં જોવા મળેલ નહીં તેમજ મોડે સુધી ઘરે પરત નહીં આવતા ગામમાં તથા સગા સંબંધીઓમાં તપાસ કરતા તેઓની કોઈ ભાળ મળી આવેલ ન હોઈ આસપાસમાં તથા ગામમાં આવેલ કુવાઓમાં તપાસ કરતા અર્જુનભાઈની લાશ નજીકમાં આવેલ ગવલાભાઈ ચોખલાભાઇ પારગીના કુવામાંથી મળી આવતા પરિવારમાં રોકકળ મચી જવા પામી હતી. અને લગ્ન પ્રસંગની જગ્યાએ માતમનો માહોલ સર્જાયો હતો.
મૃતક અર્જુનભાઈ પારગીની લાશ કૂવામાંથી મળી આવતા તેમના ભાઈ કાળુભાઈ પારગીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે એડી દાખલ કરી મૃતકની લાશનું ફતેપુરા સરકારી દવાખાનામાં પી.એમ કરાવ્યા બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.