દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગર ગામે ગત રાત્રીએ પશુઓના તબેલામાં બાંધેલ એક ઘેટાનું વન્ય પશુ દ્વારા મારણ કરાતાં પશુપાલકને આશરે 15 હજાર રૂપિયા નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ડુંગર ગામે રહેતા મુકેશભાઈ ઉર્ફે ટીનાભાઇ પારગી ખેતીવાડી તથા પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને પોતે પશુપાલન કરતા હોય તબેલો પણ ધરાવે છે. જેમાં ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ સહિત ઘેટાં-બકરાનો પણ ઉછેર કરે છે અને રાત્રિના સમયે આ પશુઓ મકાનની નજીક આવેલ તબેલામાં બાંધે છે. તેવી જ રીતે ગત રોજ રાત્રીના તમામ પશુઓ તબેલામાં બાંધવામાં આવેલા હતા. ત્યારે રાત્રિના સમયે આ તબેલામાં કોઈ વન્ય પ્રાણી આવી ચઢતા તેના દ્વારા એક ઘેટાનું મારણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. ઘેટાનું મરણ થતાં મુકેશભાઈ ઉર્ફે ટીનાભાઇ પારગીને આશરે 15 હજાર રૂપિયાનું નુકસાન પહોંચવા પામેલ હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, ફતેપુરા તાલુકાનુ ડુંગર ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે.અને અહીંયા રહ્યાં સહ્યાં વૃક્ષો બચેલા છે, ત્યારે વન્ય પશુઓ જંગલ આસપાસના માનવ વસ્તી વાળા વિસ્તારમાં ખોરાકની શોધમાં આવી ચઢતા હોય છે અને પશુઓ તથા માણસોને નુકસાન પહોંચાડી રહ્યા છે. અગાઉ પણ વટલી તથા રેલ પૂર્વમાં દીપડો ફરતો હોવાનું અને બકરાઓનું મારણ કરી ભાગી ગયેલ હોવાના બનાવો બનેલા છે. જ્યારે હાલ ડુંગર ગામમાં વન્ય પ્રાણી દ્વારા એક ઘેટાનું મારણ કરાતાં ડુંગર ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભય અને ખોફનો માહોલ સર્જાવા પામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.